અમરેલી, 22 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લામાં ખનીજ ચોરીનો કાળો વ્યવસાય બેફામ રીતે ચાલતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગાવડકા નજીકની શેત્રુજી નદીમાંથી છેલ્લા ચાર વર્ષથી સતત રેતી ચોરી ચાલી રહી છે, જેના કારણે ખેડૂતો અને સ્થાનિકોની મુશ્કેલીઓ વધી રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ રેતી માફિયાઓએ ગાવડકાથી થોવડી માર્ગ પર ભારે અવરજવર શરૂ કરી છે, જેના કારણે ખેતર અને વાડી સુધી જવાના રસ્તાઓ બિસ્માર બની ગયા છે. વાહનોના અતિશય અવરજવરે ધૂળ અને ખાડાઓથી ગ્રામજનોના આરોગ્ય તથા રોજિંદી જીવન પર પણ ગંભીર અસર પડી રહી છે.
આ સ્થિતિ સામે ગાવડકા ગામના ખેડૂતો અને સ્થાનિકોએ આજે કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું. આવેદનપત્રમાં તાત્કાલિક રેતી ચોરી બંધ કરવાની અને ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
દર્શન ભાલાળા જણાવ્યું કે “અમે છેલ્લા ચાર વર્ષથી ખનીજ ચોરીની સમસ્યા ભોગવી રહ્યા છીએ. રેતી માફિયાઓએ અમારા ખેતર સુધી જવાના રસ્તાઓ તોડી નાખ્યા છે. સ્થાનિકોની સુરક્ષા અને જીવનશૈલી જોખમમાં મુકાઈ ગઈ છે. સરકાર તાત્કાલિક પગલાં ભરે તેવી અમારી માગ છે.”
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai