નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર (હિ.સ.) મંગળવારે સવારે ઉત્તર પશ્ચિમ જિલ્લામાં જહાંગીરપુરી અને આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાયો હતો જ્યારે મોટી સંખ્યામાં લોકો, કટ્ટુનો લોટ ખાધા બાદ બીમાર પડ્યા હતા. સવારે 6 વાગ્યાની આસપાસ, પોલીસને માહિતી મળી કે ઘણા લોકો ઉલટી અને અસ્વસ્થતાની ફરિયાદ કરી રહ્યા છે.
માહિતી મળતાં, પોલીસ નજીકની હોસ્પિટલમાં પહોંચી અને જાણવા મળ્યું કે, આશરે 150 થી 200 લોકો ઇમરજન્સી વોર્ડમાં પહોંચ્યા છે. સીએમઓ ડૉ. વિશેષ યાદવે જણાવ્યું હતું કે, દર્દીઓ જહાંગીરપુરી, મહેન્દ્ર પાર્ક, સમયપુર, ભલસ્વા ડેરી, લાલ બાગ અને સ્વરૂપ નગર જેવા વિસ્તારોમાંથી આવ્યા હતા. જોકે રાહતની વાત એ છે કે, બધા દર્દીઓની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે અને કોઈને પણ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી. કોઈ ગંભીર કેસ નોંધાયા નથી.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, બીટ સ્ટાફ અને જનતા દ્વારા સ્થાનિક દુકાનદારો, શેરી વિક્રેતાઓ અને રહેવાસીઓને ચેતવણી આપવામાં આવી રહી છે. ફૂડ વિભાગને પણ સમગ્ર મામલાની જાણ કરવામાં આવી છે અને તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે.
ઉત્તરપશ્ચિમ જિલ્લાના નાયબ પોલીસ કમિશનર ભીષ્મ સિંહે જનતાને અપીલ કરી છે કે, તેઓ કોઈપણ શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનું સેવન કરવાનું ટાળે અને જો કોઈ સમસ્યા ઊભી થાય તો તાત્કાલિક વહીવટીતંત્રને જાણ કરે.
હિન્દુસ્થાન સમાચાર / કુમાર અશ્વની / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ