નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર (હિ.સ.): બોલીવુડ અભિનેતા સોનુ સૂદ બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સમક્ષ હાજર થયા. ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી એપ્લિકેશન ('વનએક્સબેટ') સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં ઈડી તેમની પૂછપરછ કરી રહ્યું છે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, 52 વર્ષીય અભિનેતા સોનુ સૂદ બપોરે 12 વાગ્યાની આસપાસ નવી દિલ્હીમાં કેન્દ્રીય તપાસ એજન્સીના કાર્યાલયમાં પહોંચ્યા હતા. આ કેસમાં તપાસ અધિકારી અભિનેતા સોનુ સૂદની પૂછપરછ કરશે અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ), 2002 હેઠળ તેમનું નિવેદન રેકોર્ડ કરશે.
કેન્દ્રીય તપાસ એજન્સીએ અત્યાર સુધીમાં ભૂતપૂર્વ ક્રિકેટરો સુરેશ રૈના, શિખર ધવન, રોબિન ઉથપ્પા અને યુવરાજ સિંહ, તેમજ ભૂતપૂર્વ ટીએમસી સાંસદ અને અભિનેત્રી મીમી ચક્રવર્તી અને બંગાળી અભિનેતા અંકુશ હાજરાની આ કેસમાં પૂછપરછ કરી છે. મંગળવારે, ઈડી એ આ કેસમાં ભૂતપૂર્વ ભારતીય સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહની લગભગ સાત કલાક પૂછપરછ કરી.
'વનએક્સબેટ' ઓનલાઈન સટ્ટાબાજી એપ્લિકેશનની કામગીરીની તપાસ, એ ઈડી દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી અને પ્રત્યક્ષ અને પરોક્ષ કરની મોટી રકમ ચોરી કરવાના આરોપ હેઠળના પ્લેટફોર્મ્સ સામેની વ્યાપક તપાસનો એક ભાગ છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ