મોડાસા, 25 સપ્ટેમ્બર (હિ.સ.)
“સ્વચ્છ ભારત” અભિયાનના ભાગરૂપે, “સ્વચ્છતા ની સેવા ૨૦૨૫” અંતર્ગત ધનસુરા ખાતે સવારે ૯:૩૦ કલાકે “એક દિન, એક ઘંટા, એક સાથ સ્વચ્છ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તાલુકા પંચાયત, ધનસુરા, જિલ્લા વહીવટી તંત્ર અને ગ્રામ પંચાયત, ધનસુરાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો, જેમાં મહાશ્રમદાનના ભાગરૂપે મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ કાર્યક્રમને માન. મંત્રી ભીખુસિંહજી પરમાર, અન્ન અને નાગરીક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધ્યક્ષસ્થાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કાર્યક્રમનું મુખ્ય સ્થળ ધનસુરા પરબડી લાયબ્રેરી સામેનું જવાહર બજાર હતું, જ્યાં સવારે શ્રમદાનની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હતી . આ શ્રમદાન દરમિયાન, સ્થાનિક વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હેઠળ રસ્તાઓ, ગલીઓ, જાહેર સ્થળો અને બજાર વિસ્તારની સફાઈ કરવામાં આવી. ઉપસ્થિત લોકોએ એકત્ર થઈને કચરો એકઠો કરવો, નાળાઓની સફાઈ કરવી, અને જાહેર સ્થળોને સ્વચ્છ બનાવવાની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છ ભારત અભિયાનને વધુ મજબૂત બનાવવાનો અને સમાજમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.
માન.મંત્રી ભીખુસિંહ પરમારે આ પ્રસંગે જણાવ્યું કે, “સ્વચ્છતા એ માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકનું કર્તવ્ય છે. આવા સામૂહિક શ્રમદાન દ્વારા આપણે ન માત્ર આપણા વિસ્તારોને સ્વચ્છ રાખી શકીએ છીએ, પરંતુ આગામી પેઢીને પણ સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણની ભેટ આપી શકીએ છીએ.” તેમણે આયોજકો અને ઉપસ્થિત લોકોના ઉત્સાહની પ્રશંસા કરી અને આવા કાર્યક્રમો નિયમિત રીતે યોજવાની હિમાયત કરી.જિલ્લા કલેક્ટરે પણ આ કાર્યક્રમની સફળતા માટે સૌનો આભાર માન્યો અને જણાવ્યું કે, “આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં એકતાની ભાવના મજબૂત થાય છે અને સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિમાં વધારો થાય છે.” ધનસુરા સરપંચશ્રીએ ગામના નાગરિકોને આવા અભિયાનોમાં વધુ ને વધુ જોડાવા અપીલ કરી.અને ગામના સફાઈકામદારોને સફાઈ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર, ધનસુરા સરપંચ, જિલ્લાના પદાધિકારીઓ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ગામના નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના સભ્યો અને સ્થાનિક આગેવાનોએ પણ આ કાર્યક્રમમાં સક્રિય ભાગીદારી નોંધાવી હતી.આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લઈ સ્વચ્છતા પ્રત્યેનો સંદેશ ફેલાવ્યો. આ ઉપરાંત, સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ સ્વચ્છતા જાગૃતિ માટે પોસ્ટર્સ, બેનર્સ અને સ્લોગન્સ દ્વારા લોકોને પ્રેરણા આપી. આ કાર્યક્રમે ધનસુરા વિસ્તારમાં સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ