જામનગર, 25 સપ્ટેમ્બર (હિ.સ.) :
'સ્વચ્છતા હી સેવા ૨૦૨૫' અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં સ્વચ્છતા જાળવવા માટે પહેલ કરવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે જામનગર જિલ્લામાં પણ 'સેવા પર્વ - ૨૦૨૫' હેઠળ જોડિયા તાલુકાના બાલાચડી બીચ પર 'સ્વચ્છતા અભિયાન' હાથ ધરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જામનગરના નિયામક એસ.એમ. કાથડ, ડી.સી. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) વી.બી.ગોસ્વામી, જોડિયાના તાલુકા વિકાસ અધિકારી, આર.એફ.ઓ. તથા વન અને પર્યાવરણ વિભાગના કર્મીઓ, બાલાચડીના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, ગ્રામજનો, સ્વસહાય જૂથની બહેનો, વિવિધ યોજનાઓના કર્મચારીઓ અને બાલાચડી સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા.
આ સ્વચ્છતા અભિયાન દરમિયાન, અંદાજે ૩-૪ ટન પ્લાસ્ટિક અને અન્ય નક્કર કચરો એકત્ર કરીને તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 'સેવા પર્વ - ૨૦૨૫'ની ઉજવણી ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. આ સમયગાળા દરમિયાન, ગુજરાત સહિત દેશભરમાં વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, આરોગ્ય તપાસ શિબિરો અને પર્યાવરણ જાગૃતિ જેવા વિવિધ સેવાકાર્યોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt