સુરત, 25 સપ્ટેમ્બર (હિ.સ.): વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ ઓલપાડ ખાતે ‘સ્વચ્છતા હી સેવા-2025’ અભિયાન અંતર્ગત ‘એક દિન, એક ઘંટા, એક સાથ થીમ સાથે ઓલપાડની બજાર, શાકમાર્કેટની સફાઈમાં જોડાઈ શ્રમદાન કર્યું હતું. મંત્રીએ જાતે સાફસફાઈ કરવા સાથે દુકાનદારોને ‘નો પ્લાસ્ટિક યુઝ’ તેમજ દુકાન આગળ કચરાટોપલી અવશ્ય મૂકવા અંગે પ્રેરિત કર્યા હતા.
પંડિત દીનદયાળજી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે તા.પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, અગ્રણીઓ કુલદીપસિંહ ઠાકોર, બ્રિજેશ પટેલ, કિરણ પટેલ તેમજ સંગઠનના સભ્યો, ઓલપાડ મામલતદાર એચ.ડી.ચોપરા, એસ.ટી. ડેપો મેનેજર સુરતી, સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓ અને સ્થાનિક નગરજનો પણ સ્વછતા ઝુંબેશમાં સહભાગી બન્યા હતા. તમામ લોકોએ પોતાના ઘરનું આંગણું, સોસાયટી કે મહોલ્લો અને સ્થાનિક વિસ્તારને સ્વચ્છ રાખવાની અને સ્વચ્છતાને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.
નોંધનીય છે કે, “એક દિન, એક ઘંટા, એક સાથ પહેલ હેઠળ સમગ્ર ઓલપાડ તાલુકાના 108 સ્થળોએ એક સાથે સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી.
મંત્રીએ તમામ લોકોને પ્રતિદિન શ્રમદાન કરી સફાઈ ઝુંબેશમાં જોડાવા અનુરોધ કરી ‘જો સ્વચ્છ રહેશો તો સ્વસ્થ રહેશો’ એવી પ્રેરણા આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે