પાટણ, 25 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ શહેરના પારેવા સર્કલ વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઇન ચોક થતાં સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સ્થાનિકોની ફરિયાદના આધારે પાટણ નગરપાલિકાએ તાત્કાલિક સફાઈ કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન પાલિકાની ટીમને ગટર લાઇનમાંથી માત્ર સામાન્ય કચરો જ નહીં, પરંતુ સિમેન્ટની થેલીઓ અને બાંધકામનો માલસામાન પણ મળ્યો હતો.
પાલિકા અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગટર લાઇન ચોક થવાનું મુખ્ય કારણ નાગરિકોની બેદરકારી છે. લોકો બાંધકામનો સામાન અને અન્ય અયોગ્ય વસ્તુઓ ગટર લાઇનમાં નાંખી દે છે, જેના કારણે લાઇન બ્લોક થાય છે અને ગંદું પાણી ઉભરી શકે છે, જે આરોગ્ય માટે જોખમરૂપ બની શકે છે.
પાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ગટર લાઇનમાં કચરો કે બાંધકામનો સામાન ન નાંખે અને શહેરની સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપે. હવે સફાઈ કામગીરી પૂર્ણ થતાં પારેવા સર્કલ વિસ્તારમાં ગટર લાઇનનો પ્રવાહ યથાવત્ કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ