પોરબંદર, 25 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર બિરલા હોલ ખાતે ICDS, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આજે જિલ્લા પંચાયત પ્રમુખ પરબત પરમારના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો પા-પા પગલી યોજના અંતર્ગત ભૂલકા મેળો અને માતા યશોદા એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પરબત પરમારે જણાવ્યું કે આજનું બાળક એ આવતી કાલના ભારતનું ભવિષ્ય છે અને તેનું આંગણવાડીમાં સંસ્કાર સિંચન અને ઘડતર કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2047માં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા આ બાળકોનું યોગદાન મહત્વનું સાબિત થશે.
વધુમાં તેમણે આંગણવાડી બહેનોની કામગીરીને બિરદાવી હતી.જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણીએ પોષણ માસ અંતર્ગત માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે માતાઓ, દીકરીઓ અને બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે પોષણયુક્ત ખોરાક રોજિંદા ખોરાકમાં સામેલ કરવો જોઈએ.
વધુમાં તેમણે નવરાત્રીના પવિત્ર તહેવારમાં બાળકો માટે પણ ગરબાનું આયોજન કરવું જોઈએ તેમ જણાવ્યું હતું અને બાળકોએ રજૂ કરેલી કૃતિઓ માટે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરીએ જણાવ્યું કે બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી છે. તેના એક ભાગરૂપે આંગણવાડી કક્ષાએ પા-પા પગલી યોજના અંતર્ગત ભૂલકા મેળાઓ દ્વારા બાળકોમાં રહેલી કુશળતાઓ બહાર આવે છે.
વધુમાં તેમણે બાળકોમાં રહેલી શક્તિઓની ઓળખ થાય અને તેને પ્રોત્સાહન મળે તે માટે આંગણવાડીમાં બાળકોને પોષણ, ઘડતર અને સંસ્કારોના સિંચન જેવા પ્રયત્નો બદલ રાજીપો વ્યક્ત કર્યો હતો.અને મહિલા અને બાળ વિકાસ વિભાગની અધિકારી હંસાબેન ટાઢાણીએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે આંગણવાડીના નાના ભૂલકાઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આંગણવાડીની કાર્યકર બહેનોએ વિવિધ થીમ આધારિત મોડલ પ્રદર્શિત કર્યા હતા.
મહાનુભાવોના હસ્તે આંગણવાડીના નાના ભૂલકાઓ અને શ્રેષ્ઠ કૃતિ રજૂ કરનાર આંગણવાડી બહેનોને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા તથા માતા યશોદા એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, પોરબંદર મ્યુનિસિપલ કમિશનર હસમુખભાઈ પ્રજાપતી, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી સહિત વિવિધ આંગણવાડીઓની બહેનો તથા ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને તૈયાર કરાયેલ આંગણવાડી અભ્યાસક્રમ આધારિત શૈક્ષણિક સામગ્રી, જે જાતે બનાવી શકાય અને ઘરમાં પણ ઉપલબ્ધ હોય તેવી સામગ્રીથી શીખવા અને શીખવવાના સાધનો તથા રમતો બનાવી પ્રદર્શનરૂપે વાલીઓને બતાવી શકાય અને પા-પા પગલી યોજનાઓની જાણકારી આપી શકાય તે હેતુસર ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya