જામનગર, 25 સપ્ટેમ્બર (હિ.સ.) : જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી જામનગર ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આવેલ તમામ ૧૨ અરજીઓનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી અરજદારોની સમસ્યા તથા પ્રશ્નોનું નિરાકરણ લવાયું હતું.
જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેકટરે ધ્યાનપૂર્વક સાંભળી હતી.ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમય મર્યાદામાં પ્રશ્નોના નિકાલ લાવવા સૂચના આપી હતી.સાથે જ્યાં જરૂર જણાઈ ત્યાં વિભાગોનું અરસ પરસ સંકલન કરી અરજદારનો પ્રશ્ન ઝડપથી હલ થાય તે માટે જિલ્લા કલેકટરએ પ્રયાસો કર્યા હતા.
આ સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે ખાનગી માલીકીની જગ્યામાં દબાણ, ખાનગી માલીકીની જગ્યા પર ઊભા કરાયેલ સ્ટ્રક્ચરનું વળતર અને તેનો ઉકેલ લાવવો, સરકારી ખરાબા તથા ખાનગી મિલ્કતમાં બિનઅધિકૃત કબજો દૂર કરવા, નવુ વિજ કનેક્શન મેળળવા, સોસાયટીના મેઇન રોડ અને શેરીઓમાં ખોદાયેલ સી.સી.રોડનું સિમેન્ટથી પાકું પેચવર્ક કરવા, રેલ્વે ટ્રેકના કારણે ખેતરોમાં વરસાદનું પાણી અટકાવવા, રહેણાંક વિસ્તારમાં રોડ-રસ્તા, ગટર તથા સ્ટ્રીટલાઇટની સુવિધા પુરી પાડવા, સી.સી.રોડ તથા ભૂગર્ભ ગટરની સુવિધા પુરી પાડવા, ડોર ટુ ડોર ગાર્બેજ ક્લેક્શનની કામગીરી, ધન કચરાના ઢગલાનો યોગ્ય નિકાલ વગેરે જેવા પ્રશ્નોને કલેકટરએ સાંભળ્યા હતા તેમજ ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરી માનવીય અભિગમ દાખવી ત્વરિત આ પ્રશ્નોનો નિકાલ લાવવા તાકીદ કરી હતી.અરજદારોએ પણ કલેક્ટર દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી અંગે સંતોષ વ્યક્ત કરી પોતાના પ્રશ્નનું સુખદ સમાધાન થતા હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, સર્વે પ્રાંત અધિકારીઓ કાર્યપાલક ઇજનેરો, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરો, પી.જી.વી.સી.એલ.ના અધિકારી તથા અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt