મહેસાણા, 25 સપ્ટેમ્બર (હિ.સ.) બહુચરાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઠગાઇની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. ઇનામની ડ્રો કૂપન આપવાની લોભામણી જાહેરાત દ્વારા લોકો સાથે છેતરપિંડી કરતા ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર, આરોપીઓ લોકો પાસે શોપિંગ કે ખરીદીના નામે ડ્રો કૂપન વહેંચતા. ત્યારબાદ મોટા ઇનામ જીત્યા હોવાનો ભ્રમ પેદા કરી તેમની પાસે રૂપિયા પડાવતા. ઘણા નિર્દોષ નાગરિકો આ લોભામણી જાહેરાતના શિકાર બનતા હતા. પોલીસે ગુપ્ત માહિતીના આધારે આ ગેરકાયદેસર પ્રવૃત્તિની તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન બહાર આવ્યું કે આ ઇસમો સુનિયોજિત રીતે લોકોને ફસાવીને તેમની પાસેથી મોટી રકમ પડાવતા હતા. અંતે બહુચરાજી પોલીસે છાપો મારીને આરોપીઓને ઝડપી પાડ્યા અને તેમની પાસે પરથી ઠગાઇમાં ઉપયોગ થતા કૂપન તથા દસ્તાવેજો જપ્ત કર્યા.
પોલીસે જણાવ્યું કે આરોપીઓ સામે ઠગાઇની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમની પાસેથી વધુ કોઈ શિકાર બન્યા હોય તો તે અંગે પણ તપાસ ચાલુ છે. સ્થાનિક નાગરિકોને પણ ચેતવણી આપવામાં આવી છે કે આવા લોભામણા ડ્રો અથવા ઇનામની જાહેરાતોમાં ફસાઈ જવું નહીં અને શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય તો તરત જ પોલીસને જાણ કરવી.
બહુચરાજી પોલીસે આ કામગીરીથી સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે લોકો સાથે છેતરપિંડી કરતા તત્વોને છોડવામાં નહીં આવે.આ પગલું નાગરિકોમાં જાગૃતિ લાવશે અને ભવિષ્યમાં આવી ઠગાઇ રોકવામાં મદદરૂપ થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR