પાટણ, 25 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મોરપા ગામે પાટણ-ડીસા હાઈવે પર ગઈકાલે સાંજે ગૌપ્રેમીઓએ કતલખાને લઈ જવાતા 27 પશુઓને બચાવ્યા હતા. ભાવેશ રબારી, જીગર રબારી અને સંજય રબારી બસ સ્ટેન્ડ પાસે બેઠા હતા ત્યારે તેમને શંકાસ્પદ કાળા રંગની નેટવાળી પિકઅપ ડાલા ડીસાની તરફથી આવતી જોઈ. જેમાંથી પશુઓના અવાજ આવતા તેમણે વાહન રોક્યું હતું.
જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે ડાલામાં બે માળનું પાર્ટિશન કરીને ખીચોખીચ રીતે 22 પાડા અને 5 પાડીઓ ભરવામાં આવ્યા હતા. ઘટના સમયે ડ્રાઈવર સ્થળેથી ફરાર થઈ ગયો હતો, જોકે પાંજરે બંદ ડાલામાંથી ફિરોઝ બાબુભાઈ પરમાર (રહે. કડી)ને પકડી લેવામાં આવ્યો હતો.
પશુપાલકોએ તાત્કાલિક 112 ઈમરજન્સી સેવા પર ફોન કરીને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી, વાહન કબજે લીધું અને તેને વાગડોદ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું. ઘટના સંબંધિત પશુ અત્યાચારનો ગુનો નોંધાઈ ચૂક્યો છે અને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ