જામનગર, 25 સપ્ટેમ્બર (હિ.સ.) :
જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કર તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જામનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જામનગર તાલુકાના ICDS ઘટક-૧નાં આંગણવાડી કાર્યકરો માટે શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ ખાતે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, આર.જે.શિયાર દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ, પોક્સો એકટ, જુવેનાઈલ જસ્ટીસ એક્ટ, જુવેનાઈલ જસ્ટીસ રૂલ્સની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.
પ્રોટેક્શન ઓફિસર જસ્મીનભાઇ કરંગીયા દ્વારા જિલ્લા બાળ સુરક્ષા એકમ તેમજ જિલ્લા સમાજ સુરક્ષાની વિવિધ યોજનાકીય માહિતી આપવામાં આવી હતી. સામાજિક કાર્યકર સગુણરાય ચાવડા દ્વારા નાશામુકત ભારત વિષે માહિતી આપવામાં આવી હતી. તેમજ નાશામુકત ભારત અંગે શપથ લેવડાવામાં આવ્યા હતા.
ત્યારબાદ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ વિભાપરના મેડીકલ ઓફિસર, ડૉ.અંકિતાબેન સોલંકી દ્વારા પોષણ માસ-૨૦૨૫ની ઉજવણી નિમિતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત મહિલાઓને સ્થૂળતા વિષે વિસ્તૃત જાણકારી તથા કેન્સર જાગૃતિ અંતર્ગત સ્તન અને સર્વાઈકલ કેન્સર વિષે માહિતી આપવામાં આવી હતી. ૧૮૧ મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા આંગણવાડી કાર્યકરોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ સમિતિ, જિલ્લા પંચાયત જામનગરના ચેરમેન ભાવનાબેન ભેસદડીયા, પ્રોગ્રામ ઓફિસર પ્રજ્ઞાબેન રાવલ, દહેજ પ્રતિબંધક અધિકારી સોનલબેન વર્ણાગર તેમજ ICDS ઘટક-૧નાં સુપરવાઈઝર અને કર્મચારીઓ તથા જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીઓ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt