મહેસાણા, 25 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લાના કડી શહેરમાં પોલીસના પરાક્રમ અને માનવતાની ઝલક જોવા મળી. કડી કેનાલમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતી મહિલાને કડી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. શ્રી એ.એન. સોલંકી તથા તેમની ટીમે પોતાની જાતના જીવની પરવા કર્યા વિના ત્વરિત કામગીરી કરી સલામત બહાર કાઢી મહિલાનો જીવ બચાવ્યો
ઘટના સમયે કેનાલમાં પાણીનો પ્રવાહ ભારે હતો. મહિલાને કેનાલમાં છલાંગ લગાવતા જ પોલીસને ઘટનાની જાણ થઈ. પોલીસ ટીમે સમય ગુમાવ્યા વિના તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. પો.ઇન્સ. સોલંકી જાતે જ આગળ વધીને કેનાલમાં કુદી મહિલાને કાબૂમાં લીધી અને સુરક્ષિત બહાર લાવ્યા. તેમની આ ઝડપી કામગીરીને કારણે એક અમૂલ્ય માનવીય જાન બચાવી શકાયો.
પછી મહિલાને તાત્કાલિક આરોગ્ય સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસની માનવતાભરી કામગીરીની સમગ્ર શહેરમાં પ્રશંસા થઈ રહી છે.
જિલ્લા પોલીસ વડાએ પો.ઇન્સ. એ.એન. સોલંકી તથા તેમની ટીમની આ બહાદુરી અને માનવતાભરી કામગીરીને બિરદાવી તેમને પ્રશંસાપત્ર આપી સન્માનિત કર્યા. પોલીસ વડાએ જણાવ્યું કે, સમયની ત્વરિત સૂચકતા, કાર્યપ્રતિભા અને માનવતાને પ્રાથમિકતા આપતાં જીવ બચાવવાનો આ પ્રયાસ કડી પોલીસની સંવેદનશીલતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠાનો સાક્ષી છે.
સ્થાનિક નાગરિકો દ્વારા પણ કડી પોલીસ ટીમને વધાવા માંડ્યા છે. લોકોનો મત છે કે આવી કામગીરી પોલીસ પ્રત્યેનો વિશ્વાસ મજબૂત બનાવે છે અને સમાજ માટે પ્રેરણારૂપ બની રહે છે.
કડી પોલીસની આ બહાદુરી માત્ર ફરજ પૂરતી નહોતી, પરંતુ માનવતાનું સજીવ ઉદાહરણ બની રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR