સુરત, 25 સપ્ટેમ્બર (હિ.સ.): સુરત શહેરમાં સ્ટ્રીટ ડોગ પછી હવે પાલતું ડોગ દ્વારા હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં પાલતું જર્મન શેફર્ડ ડોગે 7 વર્ષના બાળક પર હુમલો કરી તેને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. હુમલામાં ઘાયલ બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેનું સારવાર કાર્ય ચાલી રહ્યું છે.
માલિક પર ગંભીર આક્ષેપ
બાળકના પરિવારે ડોગના માલિક સામે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, માલિકની પત્નીએ જાણી જોઈને કૂતરાને બાળક પર હુમલો કરવા ઉશ્કેર્યો હતો. વધુમાં માલિક અને તેના દીકરાએ પીડિતના પરિવારને ધમકીઓ આપી હતી કે, “અમારા સામે તમારું કંઈ ચાલશે નહીં, અમારો ડોગ આ રીતે જ ફરશે.”
ઘટના બાદ પીડિત બાળકના પરિવારજનો પુણા પોલીસ સ્ટેશન, મ્યુનિસિપલ કમિશનર તેમજ આરોગ્ય અધિકારીને લેખિતમાં અરજી કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સાક્ષીઓએ શું કહ્યું?
ઘટનાને નજરે જોનાર સુમિત્રા રાજપુરોહિતે જણાવ્યું કે, “હું બાંકડા પર બેઠી હતી ત્યારે અચાનક બૂમો સાંભળ્યો. જઈને જોયું તો છોકરો જમીન પર પડેલો હતો અને તેના પર કૂતરો હુમલો કરી રહ્યો હતો. છોકરો રડી રહ્યો હતો, કૂતરો ભસતો હતો. માંડ તેને છૂટો પાડવામાં આવ્યો.”
સોસાયટીના લોકોએ પણ ઘટના બાદ વિરોધ વ્યક્ત કર્યો હતો, પરંતુ આરોપી ડોગના માલિકે તેમને પડકાર્યો કે તેઓ સામે ફરિયાદ કરીને કંઈ ઉખાડી નહીં શકે.
હાલની પરિસ્થિતિ
હાલમાં બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પીડિત પરિવાર તરફથી પોલીસ અને પાલિકાને કાયદેસરની કડક કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરવામાં આવી છે. સોસાયટીના રહેવાસીઓએ પણ આવનારા સમયમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે પાલિકા તંત્રે પગલાં લેવાની માંગ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે