મહેસાણા, 25 સપ્ટેમ્બર (હિ.સ.) નવરાત્રીનો પાવન તહેવાર નજીક આવતા સમગ્ર જિલ્લામાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે. પરંતુ આ દરમિયાન કાયદો અને વ્યવસ્થા અખંડિત રહે તે માટે પોલીસ વિભાગ સજ્જ થઈ ચૂક્યો છે. જિલ્લાની તમામ પોલીસ સ્ટેશનોમાં થાણા ઇન્ચાર્જ દ્વારા તેમના વિસ્તારના ગેસ્ટ હાઉસ માલિકો સાથે ખાસ મિટિંગ યોજાઈ હતી.
મિટિંગ દરમિયાન ગેસ્ટ હાઉસ માલિકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી કે તહેવાર દરમ્યાન કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ રહેવા આવે તો તેની સંપૂર્ણ માહિતી પોલીસને આપવી ફરજિયાત રહેશે. સાથે જ, આવતી જતી વ્યક્તિઓની એન્ટ્રી યોગ્ય રીતે રજીસ્ટરમાં નોંધવાની ફરજ પાડવામાં આવી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તહેવારોમાં બહારગામથી આવતા લોકોનો મોટો પ્રવાહ રહે છે, ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગેસ્ટ હાઉસની ભૂમિકા મહત્વપૂર્ણ છે.
થાણા ઇન્ચાર્જોએ ગેસ્ટ હાઉસ માલિકોને CCTV કેમેરા કાર્યરત રાખવા, ઓળખપત્ર ચકાસણી કર્યા વિના કોઈને રૂમ ન આપવાની તથા શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તરત જ પોલીસને જાણ કરવાની સૂચના આપી.
પોલીસ દ્વારા ગેસ્ટ હાઉસ માલિકોને ચેતવણી પણ આપવામાં આવી કે જો નિયમોનું પાલન ન કરવામાં આવે તો કાનૂની કાર્યવાહી હાથ ધરાશે. મિટિંગમાં પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સમાજના સહકારથી જ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી શકાય છે.
સ્થાનિક લોકોએ પોલીસના આ પહેલને વધાવી અને જણાવ્યું કે, આવી કડક અને સચેત કામગીરીથી નવરાત્રીનો તહેવાર શાંતિપૂર્ણ અને સુખમય રીતે ઉજવાશે.પોલીસ અને ગેસ્ટ હાઉસ માલિકો વચ્ચેનું આ સંકલન તહેવારોમાં સુરક્ષાનું ઘેરું કવચ બની રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR