સુરત, 25 સપ્ટેમ્બર (હિ.સ.): સરથાણા પ્રાણી સંગ્રહાલયની સામે રોયલ આર્કેડમાં ઓફિસ ધરાવતા રોયલ ડેવલોપર્સ દ્વારા ઓલપાડના કુડસદગામે રોયલ રેસીડેન્સી પ્રોજેક્ટના બહાને અનેક લોકો પાસેથી ડિપોઝીટ પેટે લાખો રૂપિયા પડાવ્યા બાદ મકાનનો કબજા નહી આપી છેતરપિંડી કરતા રોકાણકારો દોડતા થયા છે. હાલ પોલીસ પાસે ભોગ બનેલા કર્મકાંડી બ્રાહ્મણ સહિત સાત જેટલા લોકોએ ફરિયાદ નોધાવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી રોયલ ડેવલોપર્સના ભાગીદાર જગદીશ જેરામ કાલસરીયા (રહે, ખોડલછાયા રો હાઉસ, મોટા વરાછા), ભાવેશ જેરામ કાલસરીયા (રહે, શુકન સોસાયટી, સરથાણા જકાતનાકા), મહેન્દ્ર ભરત પંડયા (રહે, લક્ષ્મીકાંત સોસાયટી, કામરેજ ગામ) અને ભાવેશ વલ્લભ લાઠીયાએ ઓલપાડના કુડસદગામ ખાતે રેવન્યુ, બ્લોક નં 526/અ/1,1 વાળી જમીનમાં રોયલ રેસીડેન્સીના નામે પ્રોજેક્ટ મુક્યો હતો. બુકિંગ તેમની સરથાણામાં રોયલ આર્કેડમાં આવેલી ઓફિસમાં શરુ કર્યું હતું. ટોળકીએ રોકાણકારોને આકર્ષવા માટે ૩૬ મહિનામાં મકાન બાંધીને સોસાયટી ડેવલોપ કરી તમામ સુવિધાઓ સાથે કબજા આપવાની વાત કરી હતી. અને મકાનના દર મહિને ડિપોઝીટ પેટે હપ્તા ભરવાના હોવાનુ જણાવ્યું હતું. તેમજ 36 મહિનામાં મકાન તૈયાર થઈ ગયા પછી તમારે મકાન ના રાખવુ હોય તો તમારા ડબલ પૈસા પરત લઈ તમારે ડાયરી જમા કરાવાની રહેશે. અમારી રોયલ રેસીડેન્સીની સ્ક્રીમ પ્રમાણે બધાને મકાન અથવા રોકાણની સામે બે ગણુ વળતર મળશે અમારુ રોયલ ગ્રુપ સારી પ્રતિષ્ઢા ધરાવે છે કહી વિશ્વાસમાં લીધા હતા. આરોપીઓને સ્ક્રીમમાં આવી પુજાપાઠનું કામ કરતા કમલેશભાઈ વનમાળી જાની (ઉ.વ.52.રહે, પુણાગામ, સમજુબા સોસાયટી)એ સને ૨૦૧૪માં મકાન બુક કરાવ્યું હતું અને હપ્તાના ડિપોઝીટ પેટે ટુકડે ટુકડે કરી 9.21 લાખ ચુકવી આપ્યા હતા. કમલેશભાઈ સહિત અનેક લોકોએ આ પ્રોજેક્ટમાં રોકાણ કર્યું હતુ. સમય જતા કમલેશભાઈ સહિતના લોકોએ મકાનનો કબજે અને દસ્તાવેજ બનાવી આપવાની વાત કરતા ગલ્લા તલ્લા કરી દસ્તાવેજ બનાવી આપ્યા ન હતા. આ રીતે રોયલ ડેવલોપર્સના ભાગીદારોએ અનેક લોકો પાસેથી પ્રોજેક્ટના નામે પૈસા પડાવ્યા બાદ રોકાણકારોને મકાનનો કબજા કે સ્ક્રીમ પ્રમાણે પૈસા પરત નહી આપી છેતરપિંડી કરી હતી. બનાવ અંગે સરથાણા પોલીસે કમલેશભાઈ જાનીની ફરિયાદ લઈ આરોપી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ટોળકીએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ વળતર મેળવી લીધુ છે.
સુત્રોના જણાવ્યા મુજબ આરોપીઓએ રોયલ રેસીડેન્સી પ્રોજેક્ટના નામે અનેક લોકો પાસેથી નાણાં પડાવી લીધા છે. રેવન્યુ બ્લોક નં.526/અ/1 વાળી જમીન પેટે બુલેટટ્રેનના વળતરના નાણાં પણ મેળવી લીધા છે.
જમીન ઉપર કરોડો રૂપિયાની લોનનો બોજા
આરોપીઓએ રેવન્યુ બ્લોક નં-526/અ/2 વાળી જમીન પેટે માસ ફાયનાન્સિયલ સર્વિસીસમાંથી લોન લીધી છે. જે લોનની ભરપાઈ નહી કરતા મહેસુલ વિભાગમાં એક 3.50 કરોડની અને બીજી 5.38 કરોડની જમીર રકમનો બોજા બોલે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે