વડોદરા, 25 સપ્ટેમ્બર (હિ.સ.): આજરોજ વડોદરા એરપોર્ટ કોલોની ખાતે ‘સ્વચ્છતા હી સેવા 2025’ અંતર્ગત વિશાળ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં વિવિધ સરકારી વિભાગો, એરપોર્ટ સ્ટાફ, સ્થાનિક નાગરિકો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ લાવવાનો તથા લોકોને સ્વચ્છતા પ્રત્યે સંવેદનશીલ બનાવવાનો મુખ્ય હેતુ રાખી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમની શરૂઆત સવારે પ્રેરણાત્મક ભાષણો સાથે કરવામાં આવી, જેમાં અધિકારીઓએ સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું. ત્યારબાદ સમગ્ર કોલોની વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. એરપોર્ટ પ્રાંગણ આસપાસ, રહેણાંક વિસ્તારમાં, બાગ-બગીચાઓમાં તથા રસ્તાઓ પર સ્વચ્છતા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી. કર્મચારીઓ અને નાગરિકોએ મળીને કચરો એકત્ર કર્યો, પ્લાસ્ટિક તથા અન્ય કચરાને અલગ અલગ કરી નિકાલ કરવામાં આવ્યો.
આ અવસરે બાળકો માટે સ્વચ્છતા વિષયક નાની સ્પર્ધાઓનું પણ આયોજન થયું, જેથી બાળમનોમાં નાની ઉંમરથી જ સ્વચ્છતાની ભાવના વિકસે. ઘણા સ્વયંસેવકોએ ઝાડારોપણ કરીને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો. એરપોર્ટ કોલોનીની મહિલાઓએ પણ ઘરો અને જાહેર સ્થળો પર કચરો ન ફેંકવા અને ઘરઆંગણે જ કચરાના સેગ્રેગેશન માટે પ્રતિજ્ઞા લીધી. વિભાગીય અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રકારના અભિયાન માત્ર એક દિવસની ઝુંબેશ પૂરતા નથી, પરંતુ નિત્યક્રમમાં સ્વચ્છતા અપનાવવી ખૂબ જ જરૂરી છે. નાગરિકો સ્વચ્છતામાં સહયોગ આપે તો ‘સ્વચ્છ ભારત’નું સ્વપ્ન હકીકતમાં ફેરવાય તે દૂર નથી.
આ અભિયાન બાદ એરપોર્ટ કોલોની વધુ સ્વચ્છ અને સુંદર બની દેખાતી હતી. કાર્યક્રમના અંતે સૌએ એકસુરે પ્રતિજ્ઞા લીધી કે “મારો વિસ્તાર, મારું ઘર, મારી કોલોની — હંમેશા સ્વચ્છ રાખીશ.”
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya