પાટણ, 25 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ શહેરના મોતીશા દરવાજા ચોક ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિત્તે પાટણ નગરપાલિકા દ્વારા આયોજિત સ્વચ્છતા કાર્યક્રમ પછી સ્થાનિક મહિલાઓએ વિશાળ સંખ્યામાં એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાધનપુરી વાસ અને પીપળી વાસના રહીશોએ માંગણી કરી હતી કે તેમના વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી લાંબા સમયથી ઉભરાય છે અને અનેક રજૂઆતો છતાં તેનું સમાધાન થયું નથી.
મહિલાઓએ આ સમસ્યા અંગે પાલિકા પ્રમુખને રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના કહેવા પ્રમાણે પ્રમુખે રજૂઆત સાંભળ્યા વિના સ્થળ છોડી દીધું. સ્થાનિકોએ મોતીશા દરવાજા નજીક તોડી પાડેલા શૌચાલયના કાટમાળના વેચાણ અંગે પણ ગંભીર આક્ષેપો કર્યા.
સ્થાનિક કોર્પોરેટર દેવચંદભાઈ પટેલે ગટર સમસ્યા હોવાની વાત સ્વીકારી છે અને જણાવ્યું કે જીયુડીસી દ્વારા સર્વે કરીને નવી પાઈપલાઈન નાખવાની કામગીરી હાથ ધરાશે. જ્યારે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે સ્પષ્ટતા કરી કે તેઓ પ્રભારી મંત્રીના કાર્યક્રમમાં હાજર રહેવા જતાં સ્થળ છોડ્યું હતું અને વિસ્તારના કોર્પોરેટરોએ મહિલાઓની વાત સાંભળી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ