વડોદરા, 25 સપ્ટેમ્બર (હિ.સ.): આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના સુપ્રસિદ્ધ સુરસાગર તળાવ ખાતે વિશાળ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને જાહેર સ્થળોને સુંદર તથા સ્વચ્છ રાખવા પ્રેરિત કરવાનો હતો. શહેરના વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, સ્થાનિક નાગરિકો તેમજ સામાજિક સંસ્થાઓના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ઉત્સાહપૂર્વક શ્રમદાન આપી તળાવ કિનારે અને આસપાસના વિસ્તારોમાં ફેલાયેલ પ્લાસ્ટિક, કચરો અને અન્ય અશુદ્ધિઓ દૂર કરી સ્વચ્છતા માટે પોતાનું યોગદાન આપ્યું.
મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરસાગર તળાવ માત્ર વડોદરા શહેરનું આકર્ષણ જ નથી, પરંતુ હજારો લોકોનું ધાર્મિક અને પ્રવાસન સ્થળ પણ છે. તેથી અહીં સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી છે. અભિયાન દરમિયાન વિદ્યાર્થીઓએ હાથમાં બેનરો અને પ્લેકાર્ડ લઈ નાગરિકોને સંદેશ આપ્યો કે સ્વચ્છતા એજ સેવા અને સ્વચ્છ શહેર, સુંદર શહેર. સાથે જ નાગરિકોને રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવા તથા કચરાને યોગ્ય જગ્યાએ નાંખવા અનુરોધ કરવામાં આવ્યો.
આ પ્રસંગે કેટલાક સ્વયંસેવકોએ જણાવ્યું કે આ પ્રકારના અભિયાનોમાં સહભાગી થવાથી સામાજિક ફરજ નિભાવવાનો અવસર મળે છે અને શહેરને સ્વચ્છ રાખવામાં એકતા ઉભી થાય છે. વિદ્યાર્થીઓએ પણ પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે સ્વચ્છતા અંગેની જવાબદારી ફક્ત સરકાર કે મહાનગરપાલિકાની જ નથી, પરંતુ દરેક નાગરિકની છે.
અંતે મહાનગરપાલિકાએ આ અભિયાનમાં જોડાયેલા તમામ નાગરિકો, વિદ્યાર્થીઓ અને સંસ્થાઓનો આભાર માન્યો અને શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવાં અભિયાનો ચાલુ રાખવાની જાહેરાત કરી. સુરસાગર તળાવ ખાતેનું આ સ્વચ્છતા અભિયાન વડોદરાની જનતા માટે પ્રેરણારૂપ બન્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya