જામનગર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર અને નિયામક આયુષની કચેરીના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ જામનગર તાલુકાના નાઘેડી ગામે ૧૦મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 'આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ' ની થીમ અંતર્ગત નિઃશુલ્ક આયુર્વેદ તથા હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.સરકારી આયુર્વેદ દવાખાનું, વિભાપર અને સરકારી હોમિયોપેથી દવાખાનુ ધુંવાવના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કેમ્પનો ૨૮૯ લોકોએ લાભ લીધો હતો.
વિભાપરના મેડિકલ ઓફિસર ડો. અંકિતા સોલંકી અને ધુંવાવના મેડિકલ ઓફિસર ડો. ધ્વનિ ગામિત દ્વારા દર્દીઓનું નિદાન કરીને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી. સાથે જ વિભાપરના ફાર્માસિસ્ટ શ્રેયા એસ. જાની દ્વારા દર્દીઓને દવાઓનું વિતરણ કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આયુર્વેદના પ્રચાર-પ્રસારના ભાગરૂપે આ કાર્યક્રમમાં ખાસ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ લાભાર્થીઓને સ્વાસ્થ્યવર્ધક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, સાથે જ ચાર્ટ દ્વારા રસોડાની ઔષધો, આસપાસની વનસ્પતિઓ અને મિલેટ્સ વિશે વિસ્તૃત માહિતી આપી જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં નાઘેડીના સરપંચ સુરેશભાઈ બાંભવા, જામનગર તાલુકા પંચાયતના સદસ્ય લીંબાભાઇ ગમારા અને જામનગર જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર પ્રજ્ઞાબેન રાવલ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt