જામનગર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) પૂ.મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવાસંસ્થા ગીતા વિદ્યાલય- ગીતા મંદિર ટ્રસ્ટના 75 વર્ષો પૂર્ણ થતા હોવાથી અમૃત મહોત્સવના ઉપક્રમે પિતૃમાસ ભાદરવાના શ્રાદ્ધ પક્ષમાં જામનગરમાં મહાવીર સોસાયટીમાં ગીતા મંદિર-ગીતા ભવન ખાતે ભાદરવા વદ આઠમથી અમાસસુધી સામૂહિક 55 પોથીજી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણનું આયોજન થયું હતું.જેમાં વક્તાપદે ભાગવતાચાર્ય મનહરલાલજી મહારાજના પુત્ર શાસ્ત્રી ડો.કૃષ્ણકુમાર મહેતાએ ( M.Sc, M.Ed, Ph.D.) સંગીતમય શૈલીમાં અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય કરીને ભાગવતજીના રહસ્યોનું સરળ સમજૂતી સાથે વર્ણન કર્યું હતું. તેમજ શુદ્ધ કથા, મૂળ-શાસ્ત્રોક્ત કથાની ત્રણ પેઢીની પરંપરાને અનુસરીને બોધદાયી દ્રષ્ટાંતો, પર્યાવરણ, રાષ્ટ્રપ્રેમ, વ્યસનમુક્તિ, દહેજપ્રથા, વાચનટેવ વગેરેને આવરી લઈને લોકજાગૃતિનુ કર્તવ્ય નિભાવ્યું હતું.આ આયોજનમાં ગીતા વિદ્યાલયમાં આજીવન સેવા આપનાર સદ્દગત ટ્રસ્ટીઓ ડો.કિશોર દવે, મોહન જેઠવા, શૈલેશ દવે, ચંદુભાઈ મહેતા, ઉપેન્દ્ર યાગ્નિકના પરિવારજનોએ કથાના મુખ્ય યજમાનપદે તેમજ 55 પોથીજી પાટલાના યજમાનોએ પૂજાઆરતીનો ધર્મલાભ લીધો હતો.ભાગવત કથામાં વરાહનારાયણ,કપિલ ભગવાન, સતીચરિત્ર, ધ્રુવચરિત્ર,નૃસિંહ પ્રાકટ્ય, વામન જન્મ, રામજન્મ, કૃષ્ણજન્મ-ભવ્ય નંદમહોત્સવ, બાળલીલા, ગીરીરાજ ઉત્સવ, ગોપીગીત, રુકમણી વિવાહ, સુદામા ચરિત્ર વગેરે પ્રસંગો ભાવપૂર્વક ઉજવાયા હતા.કથાશ્રવણ માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હતા.કથા દરમ્યાન નિ:શુલ્ક નિદાન-સારવાર કેમ્પ, વ્યસનમુક્તિ કેમ્પ, જળસંચય અભિયાન વગેરેનું આયોજન થયું હતું. કથામાં સામાજિક અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt