પાટણ, 26 સપ્ટેમ્બર (હિ.સ.) કેન્દ્રીય વિદ્યાલય, પાટણના સભાખંડમાં આજે માનસિક સ્વાસ્થ્ય અને કલ્યાણના મહત્વ પર પ્રકાશ પાડતો એક દિવસીય સેમિનાર યોજાયો. શાળાના પ્રચાર્ય મહેન્દ્રસિંહે કાર્યક્રમની શરૂઆત કરી અને જણાવ્યું કે આજના સ્પર્ધાત્મક યુગમાં શૈક્ષણિક દબાણ અને વ્યક્તિગત પડકાર વચ્ચે વિદ્યાર્થીઓ માટે માનસિક રીતે મજબૂત રહેવું આવશ્યક છે. આ સેમિનારનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃત કરવો અને તણાવ વ્યવસ્થાપન વિશે માહિતી આપવી રહ્યો.
મુખ્ય વક્તા તરીકે પ્રખ્યાત મનોચિકિત્સક ડૉ. ચિંતન રાવલે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે માનસિક સ્વાસ્થ્ય શારીરિક સ્વાસ્થ્ય જેટલું જ મહત્વ ધરાવે છે અને તેના વિશે ખુલ્લેઆમ ચર્ચા થવી જોઈએ. તેમણે ચિંતા, હતાશા અને પરીક્ષાના તણાવ જેવા વિષયો પર ચર્ચા કરી તેમજ સકારાત્મક વિચારો, સમય વ્યવસ્થાપન અને નિયમિત કસરત જેવા સરળ અને અસરકારક ઉપાયો રજૂ કર્યા.
સેમિનાર દરમિયાન ઇન્ટરેક્ટિવ સેશનનું પણ આયોજન થયું, જેમાં વિદ્યાર્થીઓએ પોતાના પ્રશ્નો રજુ કર્યા અને તેમને સંતોષકારક જવાબો મળ્યા. શાળાના તમામ શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની હાજરીમાં યોજાયેલ આ સફળ કાર્યક્રમ માટે વરિષ્ઠ શિક્ષક નવીનકુમાર ઘાવરીએ સૌનો આભાર વ્યક્ત કર્યો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ