પાટણ, 26 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની બે દિવસીય મુલાકાત લીધી હતી. પ્રવાસના બીજા દિવસે તેમણે પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈને ખેડૂતોની હાલતનો તાગ લીધો હતો. ચાલવાડા ગામે તેમણે ગ્રામસભા યોજી, જ્યાં સ્થાનિક લોકો અને ખેડૂતો સાથે સીધો સંવાદ સાધી હાલત અંગે વિગતો મેળવી હતી.
મુલાકાત બાદ કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે સતત વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે, જેને કારણે કપાસ, એરંડા, કઠોળ અને ઘાસચારાના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોના ઉભા પાક અને ખેતરોમાં ભરાયેલા પાણીથી આર્થિક નુકસાન પણ થયું છે.
મંત્રીએ આશ્વાસન આપ્યું કે પાણીના નિકાલ માટે તાત્કાલિક પગલાં લેવાશે. તેમણે જણાવ્યું કે પાટણ જિલ્લાના નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં 80% સર્વે પૂર્ણ થઈ ચૂક્યો છે અને બાકીનો સર્વે પણ ઝડપથી પૂર્ણ કરીને ખેડૂતોને યોગ્ય વળતર આપવાનું સુનિશ્ચિત કરવામાં આવશે. આ મુલાકાતથી સ્થાનિક ખેડૂતોમાં સહાય અને રાહત અંગે આશા જાગી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ