અમરેલી,26 સપ્ટેમ્બર (હિ.સ.) આજ અમરેલીમાં એપેક્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ સાયબર ક્રાઇમ વિશે વધુ સમજ મેળવવા માટે અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની વિશેષ મુલાકાત લીધી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ લાવવી અને ઈન્ટરનેટના સકારાત્મક ઉપયોગ સાથે સાથે તેની જોખમોને સમજાવવાનું હતું.
વિઝિટ દરમિયાન પોલીસ સ્ટેશનના અધિકારીઓએ વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમના વિવિધ પ્રકારો વિશે માહિતી આપી, જેમ કે ફિશિંગ, હેકિંગ, ડેટા ચોરી, ઓનલાઇન ઠગાઈ અને સોશિયલ મીડિયા પર સુરક્ષા સંબંધી ખતરા. વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું કે કેવી રીતે તે માત્ર યોગ્ય જાણકારી અને સુરક્ષા પગલાં અપનાવીને આ પ્રકારની ખતરનાક પરિસ્થિતિઓથી બચી શકે છે.
પોલીસ કર્મચારીઓએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે, સાયબર ક્રાઇમનો શિકાર બનવું એ સરળ છે, પરંતુ તેનું નિવારણ અને રક્ષણ સહેલાઇથી શક્ય છે. વિદ્યાર્થીઓને પાસવર્ડ સુરક્ષા, મજબૂત અને અનન્ય પાસવર્ડનો ઉપયોગ, ઓળખની માહિતી શેર ન કરવી, અનિચ્છનીય લિંક પર ક્લિક ન કરવી અને અંગત માહિતી સુરક્ષિત રાખવા માટેના પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
વિઝિટ દરમિયાન વિદ્યાર્થીઓએ સાયબર ક્રાઇમ સંબંધિત પ્રશ્નો પણ પુછ્યા અને પોતાની શંકાઓનું નિવારણ મેળવ્યું. આ અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓને ડિજિટલ જગતમાં સલામત રહેવા માટે જરૂરી જ્ઞાન અને જાગૃતિ મળી.
આ પ્રકારની પ્રવૃત્તિઓ માત્ર શૈક્ષણિક જ નહીં, પણ વિદ્યાર્થીઓમાં સાયબર સુરક્ષા પ્રત્યે જવાબદારી અને જાગૃતિ લાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai