ભાવનગર,26 સપ્ટેમ્બર (હિ.સ.) ભાવનગર મંડળે પોતાની કાર્યકુશળતા અને તત્પરતા સાબિત કરતાં વર્ષ 2024-25 માટે જાહેર કરાયેલા પ્રોડક્ટિવિટી લિન્ક્ડ બોનસ (PLB) હેઠળ પોતાના 5996 ગ્રુપ 'સી' અને 'ડી' શ્રેણીના કર્મચારીઓને કુલ રૂ.10,48,99,048/- (દસ કરોડ અડ઼તાલીસ લાખ નિન્યાનવે હજાર અડ઼તાલીસ રૂપિયા)નું એક સાથે ચુકવણી કરી ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
ભારત સરકાર અને રેલ મંત્રાલય દ્વારા 24 સપ્ટેમ્બર 2025ના રોજ રેલવે કર્મચારીઓ માટે 78 દિવસના બોનસની જાહેરાત કરવામાં આવી હતી. સંબંધિત સર્ક્યુલર રેલ મંત્રાલય દ્વારા સાંજે 7:00 વાગ્યે જાહેર કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી હુબલાલ જગનના નેતૃત્વમાં સેલેરી બિલ વિભાગ અને વરિષ્ઠ મંડળ નાણાં પ્રબંધક મોહિત પંચાલના નેતૃત્વમાં એકાઉન્ટ્સ વિભાગની સંયુક્ત ટીમે ત્વરિત કાર્યવાહી કરી બોનસની સમગ્ર રકમને પ્રોસેસ કરીને બેંકને એ જ દિવસે રાત્રે 20:00 વાગ્યે ચુકવણી માટે મોકલી આપી, જેના કારણે તમામ કર્મચારીઓના બેંક ખાતામાં રકમ 24/09/2025ના જ રાત્રે 21:00 વાગ્યા સુધી ક્રેડિટ થઈ ગઈ હતી.
આ ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ ભાવનગર મંડળે બોનસ ચુકવણીના મામલામાં ભારતીય રેલવેનું પહેલું મંડળ બનવાની સિદ્ધિ મેળવી હતી, જેના માટે સંબંધિત વિભાગના કર્મચારીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.ભાવનગર મંડળની આ સિદ્ધિ માટે શ્રી દિનેશ વર્મા, મંડળ રેલ પ્રબંધક સહિત વરિષ્ઠ અધિકારીઓએ કર્મચારીઓના કલ્યાણ અને સંતોષ પ્રત્યે મંડળની આ પ્રતિબદ્ધતા અને સમર્પિત કાર્યની પ્રશંસા કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ