ગાંધીનગર, 26 સપ્ટેમ્બર (હિ.સ.): મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૮ મહાનગરપાલિકા અને ૧૬ નગરપાલિકાઓને સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા બદલ “નિર્મળ ગુજરાત એવોર્ડ્સ” અર્પણ કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, સ્વચ્છતા સહિતના જન સુખાકારીના કામો માટે શહેરો વચ્ચે એવોર્ડ મેળવવા માટેની સ્પર્ધા થાય તેવો વધુ સારો વિકાસ કરવાની આપણી નેમ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે નિર્મળ ગુજરાત એવોર્ડ વિતરણ સમારોહ તેમજ સ્વચ્છ ભારત મિશનની ચિંતન શિબિર યોજાઈ હતી. મુખ્યમંત્રીએ સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા બદલ “નિર્મળ ગુજરાત એવોર્ડ્સ” અને કુલ રૂ. ૧૮.૫ કરોડની પ્રોત્સાહક રકમ એનાયત કરી હતી. આ ઉપરાંત “મારુ શહેર, મારું ગૌરવ અભિયાન”ના લોગોનું અનાવરણ પણ તેમણે કર્યુ હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્મળ ગુજરાત એવોર્ડ મેળવનારી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને અભિનંદન પાઠવતા કહ્યુ કે, આ પ્રકારના એવોર્ડથી અન્ય શહેરોને વધુ સારું કામ કરવાનું પ્રોત્સાહન મળે છે. આઝાદી પછી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશવ્યાપી સ્વચ્છતા ઝુંબેશ શરૂ થઈ છે, ત્યારે હવે સ્વચ્છતા સૌ નાગરિકોના સંસ્કાર અને સ્વભાવમાં વણાઈ ગઈ છે. સ્વચ્છ ભારત અભિયાન, નિર્મળ ગુજરાત મિશન જેવા વિવિધ વિકાસલક્ષી અભિયાનોમાં રાજ્ય સરકાર મહાનગરપાલિકા-નગરપાલિકાઓને નાણાકીય સહિત તમામ સહકાર આપવા હંમેશા તૈયાર છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ નગરપાલિકાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંબોધતા કહ્યું કે, હવે વધુ ગુણવત્તાસભર વિકાસ કાર્યો સૌએ સાથે મળીને કરવા પડશે. વિકસિત ભારતના નિર્માણ માટે રાજ્યમાં કોઈ એક શહેરનો નહીં પણ નાનામાં નાના છેવાડાના માણસનો વિકાસ કરીને તેને મુખ્ય પ્રવાહમાં લાવવો તે આપણો ધ્યેય છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા સ્વચ્છતા સહિતના વિવિધ અભિયાનો આજે સાચા અર્થમાં જન આંદોલન બન્યા છે.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતી ગઈકાલે તા. ૨૫ સપ્ટેમ્બરથી શરૂ કરીને સુશાસનના પ્રણેતા સ્વર્ગસ્થ વડાપ્રધાન અટલ બિહારીની ૧૦૦મી જન્મજયંતી તા. ૨૫ ડિસેમ્બર સુધી દેશભરમાં ‘આત્મનિર્ભર ભારત’ માટે હર ઘર સ્વદેશી અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનશ્રીના આ અભિયાનને સફળ બનાવવા આપણે ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતી દૈનિક ઘરવપરાશની ચીજ વસ્તુઓ સ્વદેશી હોય તેના પર વિશેષ ભાર મૂકવો પડશે. આજના સમયની માંગ સાથે આત્મનિર્ભર ભારત માટે વધુમાં વધુ સ્વદેશી વસ્તુઓ અપનાવવા મુખ્યમંત્રીશ્રીએ સૌને આહ્વાન કર્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ‘મેક ઇન ઈન્ડિયા’ અંતર્ગત ભારતમાં બનેલી વસ્તુઓનો ઉપયોગ કરીએ તે સ્વદેશી જ ગણાય. દરેક ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા જરૂરી છે. સ્વદેશી અને આત્મનિર્ભરતા ઉપર જો આપણે ભાર મૂકીશું તો જ આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવી શકીશું.
તેમણે ૨૦૩૫માં ગુજરાતની સ્થાપનાના ૭૫ વર્ષ અમૃત મહોત્સવ તરીકે ઉજવવાની આપણને તક મળવાની છે તેનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, આ માટે વિકસિત ગુજરાતનો રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
તેમણે કહ્યું હતું કે, ખૂબ સારી નાણાકીય સ્થિતિ – શિસ્ત સાથે આગળ વધતું હોય એ આપણું ગુજરાત રાજ્ય છે. નીતિ આયોગ મુજબ સમગ્ર દેશમાં પ્રથમ હરોળમાં જો કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે. ગુજરાતમાં આ વર્ષે ઉજવાઇ રહેલા શહેરી વિકાસ વર્ષમાં પ્રજાજનોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ખૂબ સારું ભંડોળ ફાળવવામાં આવી રહ્યું છે. તેનો ખૂબ સારો ઉપયોગ કરી અને પ્રજાજનોને માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આ એક દિવસીય ચિંતન શિબિરમાં જે સારું લાગ્યું હોય તે તમારા વિસ્તારમાં નાગરિકો સુધી પહોંચાડીને શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા મુખ્યમંત્રીએ ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.
આ વેળાએ મુખ્ય સચિવ પંકજ જોષીએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાતના શહેરો સ્વચ્છતા ક્ષેત્રે દેશમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે. રાજ્યના શહેરને સ્વચ્છ અને નિર્મળ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શહેરોની વિવિધ સહાય આપવામાં આવે છે. જેના પરિણામે “ગાર્બેજ ફ્રી સિટી સર્વેક્ષણ”માં ગુજરાતના ૨૬ શહેરોને ગાર્બેજ ફ્રી સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે.
આ ઉપરાંત “રિડ્યુસ, રિયુઝ અને રિસાયકલ”ની થીમ પર યોજાયેલા ‘સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૪-૨૫’માં ગુજરાતના શહેરોએ સરેરાશ કુલ ૧૨,૫૦૦માંથી ૮,૧૦૦થી વધુ માર્ક્સ પ્રાપ્ત કરીને સમગ્ર દેશમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે, જે ગત વર્ષે આઠમો ક્રમ હતો. તેમણે સ્વચ્છતા સર્વેક્ષણની વિવિધ શ્રેણીમાં વિજેતા બનેલા અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરા શહેરને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ, આગામી સ્વચ્છતા સર્વેક્ષણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ગુજરાતને સ્વચ્છતા ક્ષેત્રે વધુમાં વધુ આગળ લઈ જવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે શાબ્દિક સ્વાગત કરતા શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ એમ. થેન્નારસને જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્રને અનુલક્ષીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૪માં 'સ્વચ્છ ભારત મિશન'ની શરૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે સ્વચ્છતા અભિયાનમાં લીડ લઈને પરિણામલક્ષી કામગીરી કરી છે, જેની તેમણે વિસ્તૃત ભૂમિકા આપી હતી. જ્યારે, સ્વચ્છ ભારત મિશન ડાયરેક્ટર એમ. નાગરાજને આભારવિધિ કરી હતી.
આ સમારોહમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશનના કમિશનર રેમ્યા મોહન, રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના હોદ્દેદારો, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ