મહેસાણા, 26 સપ્ટેમ્બર (હિ.સ.): ગુજરાતની નવરાત્રિ એ માત્ર નૃત્ય કે સંગીતનો તહેવાર નથી, પરંતુ ભક્તિ અને પરંપરાનો જીવંત વારસો છે. ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ ઢોલ, ઢાકળાં અને ત્રાંસા જેવા દેશી વાદ્યોના અવાજ પર ખેલૈયાઓ માતાજીના ગરબામાં ઝૂમી ઊઠે છે. પરંતુ શહેરી વિસ્તારોમાં આ પરંપરા ધીમે ધીમે આધુનિકતાને જગ્યા આપી રહી છે. આજે મોટા ભાગની સોસાયટીઓમાં ડીજે સાઉન્ડ સિસ્ટમ ગરબાનો અભિન્ન ભાગ બની ગઈ છે. લેપટોપ અને મોબાઈલ દ્વારા ચાલતા આ આધુનિક સંગીતે ગરબાને નવી ઊર્જા આપી છે, પરંતુ ઢોલના પરંપરાગત અવાજો ધીમા પડી રહ્યા છે.
વિસનગર જેવા વિસ્તારોમાં તો આ બદલાવનો સીધો પ્રભાવ વેપારીઓ પર જોવા મળી રહ્યો છે. થોડાં વર્ષો પહેલાં નવરાત્રિ દરમિયાન 100થી વધુ નવા ઢોલનું વેચાણ થતું હતું, જ્યારે હવે આ સંખ્યા ઘટીને માત્ર 10 જેટલા ઢોલ સુધી સીમિત થઈ ગઈ છે. જોકે, જૂના ઢોલના રિપેરિંગનું કામ આજે પણ વેપારીઓને થોડી રાહત આપે છે.
પ્રશ્ન એ છે કે યુવાનોની પેઢી ડીજે સાઉન્ડ તરફ આકર્ષાય છે ત્યારે શું આવનારા વર્ષોમાં માતાજીના ગરબામાં દેશી ઢોલનો ગુંજતો અવાજ સાંભળવા મળશે? વડીલોનું માનવું છે કે ઢોલ વિના ગરબાની સાચી મજા નથી, અને આ જ કારણે પરંપરા તથા આધુનિકતાનો સંતુલન સાચવવું સમયની સૌથી મોટી જરૂરિયાત બની ગયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR