મહેસાણા, 26 સપ્ટેમ્બર (હિ.સ.) કડી તાલુકાના થોળ ગામે આવેલા ધારા પેટ્રોલ પંપમાં મોટી ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. અહીં કાર્યરત એક કર્મચારી રૂપિયા 1.60 લાખની રકમ લઈને ફરાર થઈ જતાં માલિક અને મેનેજમેન્ટમાં હાહાકાર મચ્યો છે. મેનેજર ઠાકોર મહેશે માલિક વિપુલ પટેલને ફોન દ્વારા સમગ્ર ઘટના અંગે માહિતી આપી હતી.
વિગતો અનુસાર, હારીજ તાલુકાના અરીઠા ગામના રહેવાસી રણજીત મફાભાઈ રાવળ નામના વ્યક્તિએ પેટ્રોલ પંપ પર નોકરી શરૂ કરી હતી. 14 થી 15 સપ્ટેમ્બર દરમિયાન જ્યારે હિસાબ આપવા આવ્યો ત્યારે રૂપિયા 1.60 લાખની રકમ ખૂટતી હોવાનું જણાયું. મેનેજરે ચકાસણી કરતા સ્પષ્ટ થયું કે રકમ રણજીત દ્વારા જ લઇ લેવાઈ છે. ત્યારબાદથી તે પેટ્રોલ પંપ પર દેખાયો નથી અને તેનો ફોન પણ બંધ આવી રહ્યો છે.
કર્મચારીના આચાનક ગાયબ થવાથી માલિક તેમજ સ્ટાફ ચકિત થઈ ગયા હતા. શરૂઆતમાં તેમને લાગ્યું કે કદાચ કોઈ વ્યક્તિગત કારણસર રણજીત હાજર નથી, પરંતુ સતત 10 દિવસ સુધી ફોન બંધ રહેતા અને કોઈ સંપર્ક ન થતા આખરે ચોરીની શંકા પક્કી થઈ ગઈ.
આ અંગે પેટ્રોલ પંપના મેનેજરે માલિકની સલાહ બાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે ફરાર કર્મચારીની શોધખોળ માટે તંત્ર હરકતમાં આવી ગયું છે અને ટૂંક સમયમાં તેને કાયદાની જાળમાં લાવવામાં આવશે.
આ બનાવ બાદ આસપાસના વિસ્તારોમાં પણ પેટ્રોલ પંપના માલિકો અને વેપારીઓ ચેતક બન્યા છે. તેઓએ પોતાના કર્મચારીઓની કામગીરી અને હિસાબની વધુ કડક ચકાસણી શરૂ કરી દીધી છે. થોળ ગામનો આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો કર્મચારીની આ હરકતની નિંદા કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR