જામનગર તાલુકાના ત્રણ ગામના ખેડૂતોની વીજ પ્રશ્ને રેલી આવેદન આપ્યું
જામનગર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) જામનગર તાલુકાના કેટલાક ગામના ખેડૂતોએ આજે અપૂરતા વીજ પુરવઠાના પ્રશ્ને વિશાળ રેલી કાઢી આવેદનપત્ર પાઠવી રજુઆત અને માંગણી કરી હતી. જો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો આપવામાં નહીં આવે તો પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ પણ દ
વિજપ્રશ્ને આવેદન


જામનગર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) જામનગર તાલુકાના કેટલાક ગામના ખેડૂતોએ આજે અપૂરતા વીજ પુરવઠાના પ્રશ્ને વિશાળ રેલી કાઢી આવેદનપત્ર પાઠવી રજુઆત અને માંગણી કરી હતી. જો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો આપવામાં નહીં આવે તો પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ પણ દર્શાવાઈ છે.જામનગર જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્ય ઝુલેખાબેન કાસમભાઈ ખફીના લેટરપેડ ઉપર આવેદન પાઠવાયુ હતું જે તે પહેલા તેમના પતિદેવ કાસમભાઈ ખફીની આગેવાનીમાં વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ પછી પીજીવીસીએલના એસઈને ઉદ્દેશીને લખવામાં આવેલ આવેદનપત્રમાં રજુઆત કરતા જણાવ્યું હતું કે હાલમાં ૧૩૨ કેવીનું પાવર સ્ટેશન મસીતીયા રોડ ઉપર બનાવાયું છે. જેમાથી છેલ્લા ૨૦ દિવસથી ખેડૂતોને પાવર આપવામાં આવે છે.વાવબેરાજા, મસીતીયા, ચાંપાબેરાજાના ખેડૂતોને મગફળીનું વાવેતર કર્યું છે. તેના માટે હાલના સમયમાં વીજળીની જરૂર છે. સરકારે આઠ કલાક વીજ પુરવઠાની જાહેરાત પણ કરી છે પરંતુ આઠ કલાકમાં પાંચથી ૧૦ વખત ટ્રેપીંગ આવે છે.વારંવાર લાઈનો તૂટે છે, પરિણામે પૂરતા પ્રમાણમાં ખેડૂતોને વીજ પુરવઠો મળતો નથી. આથી પાક નિષ્ફળ જવાની ભીતિ છે. જો પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો ફાળવવામાં આવે તો વાવેતર ૧૦૦ ટકા ઉગી નીકળશે. જેથી રાજ્યના ખેડૂતો મજબૂત બનશે. ખેડૂતોએ એવી ત્રણ હજાર એક મણના નાણા લેખે મગફળીના બી ખરીદ કરીને વાવેતર કર્યું છે. ખાતર નાખ્યું છે, માત્ર ૧પ થી ર૦ દિવસમાં બે વખત પાણી મળે તો ઉત્પાદન સારૂ મળશે. અને ખેડૂતોને પોતાની મહેનતનું વળતર મળશે.ખેડૂતોએ બેંકમાંથી લોન લીધી છે, એગ્રોવાળા પાસેથી ઉધાર ખરીદી કરી જમીનમાં બીજ, ખાતર, દવા નાખેલ છે. જો પાક નિષ્ફળ જશે તો ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ જશે. આ ગામો માત્ર વીજ પૂરવઠો આધારિત ખેતી ઉપર નિર્ભર છે. બોર અને કૂવા સિવાય પાણીનો કોઈ વિકલ્પ નથી. અનેક ગામનો ૫૦ થી ૬૦ ટકા જમીનને કેનાલમાંથી પાણી મળે છે. પરંતુ આ ગામો માત્ર સિંચાઈ, બોર, કૂવાનો ઉપયોગ કરે છે. આથી વિજળી વગર ઉભો પાક બચાવવો શકય નથી. આ ગામના ખેડૂતોને રઝળતા ઢોરનો પણ અસહ્ય ત્રાસ છે. માત્ર ૨ થી ૪ કલાકની ઉંઘ કરે છે.આ ત્રણેય ગામ હાલ ગોકુલનગર સબ ડિવિઝનમાંથી વીજ પૂરવઠો વિતરણ થાય છે. આ ડિવિઝન એટલુ મોટું છે કે તેમાંથી ૩ થી ૪ સબ ડિવિઝન બની શકે તેમ છે. જેમાં ૧૦ થી ૧૨ ગામનો સમાવેશ થાય છે. મસીતીયા, કનસુમરા, વાવ બેરાજા, ચાંપા બેરાજા, નાઘેડી, લાખાબાવળ, સરમત, ખારાબેરાજા, ઢીંચડા ગોરધનપર ઉપરાંત શહેરના વિસ્તારો ગોકુલનગર, નગરસિમ, તિરૂપતિનો સમાવેશ થાય છે.જો આ સોસાયટીઓને સિટી સામે જોડી દેવામાં આવે તો ગામડાની વિજ સમસ્યાનું નિરાકરણ આવી શકે તેમ છે. જો આગામી બે-ચાર દિવસમાં મગફળીને વિજળીના વાંકે પાણી નહીં મળે તો પાક નિષ્ફળ જશે. તેની જવાબદારી સરકારની રહેશે તેવો ધગધગતો આક્રોષ વ્યકત કરાયો છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande