સોમનાથ, 26 સપ્ટેમ્બર (હિ.સ.) સોમનાથ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા કોડીનાર તાલુકાના કડોદરા ગામ ખાતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની અલગ અલગ પદ્ધતિઓ વિશે તેમજ ઝેરમુક્ત ખેતીમાં વર્મીકમ્પોસ્ટના ફાયદા વિશે અવગત કરાવવામાં આવ્યાં હતાં.
વિસ્તરણ વિષય નિષ્ણાંત પૂજાબેન નકુમ દ્વારા ઉપસ્થિત ખેડૂતોને ‘સ્વચ્છ ભારત અભિયાન-૨૦૨૫’ તેમજ ઝેરમુક્ત ખેતીને પ્રોત્સાહન આપવાના હેતુથી વર્મીકમ્પોસ્ટનો ઉપયોગ અને તેને બનાવવાની રીત વિષે વિગતવાર વાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે,’ વર્મીકમ્પોસ્ટ એ પોષક તત્વોથી ભરપૂર કુદરતી ખાતર છે જે અળસિયા દ્વારા ઉત્પાદિત થાય છે. અળસીયા જમીનની રચનામાં સુધારો કરે છે, પાણીની જાળવણીમાં વધારો કરે છે અને ફાયદાકારક સૂક્ષ્મજીવાણુની પ્રવૃત્તિને ટેકો આપે છે. વર્મીકમ્પોસ્ટ રાસાયણિક ખાતરોનો અસરકારક વિકલ્પ છે.
તજજ્ઞ મનીષ બલદાનીયાએ પાક વિજ્ઞાનએ ખેડૂતોને વર્મીકમ્પોસ્ટ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ તેમજ શિયાળુ પાકો જેવા કે ઘઉં અને ચણાના પાકની વિવિધ જાતો વિષે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. કાર્યક્રમનાં અંતે ઉપસ્થીત સૌ ખેડૂતોએ પ્રગતીશીલ ખેડૂત ક્રિનલ સોલંકી દ્વારા તૈયાર કરવામાં આવેલ વર્મીકમ્પોસ્ટ યુનિટની મુલાકાત લીધી હતી.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ