સુરત, 26 સપ્ટેમ્બર (હિ.સ.): દર વર્ષે 27મી સપ્ટેમ્બરે વિશ્વ પ્રવાસન દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ માત્ર પ્રવાસની ખુશીઓને નહીં, પરંતુ સંસ્કૃતિનું સંવર્ધન, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને સમાજના કલ્યાણ માટે પ્રવાસન કેવી રીતે સાધન બની શકે તે યાદ અપાવે છે. આ વર્ષની પ્રવાસન દિવસની ઉજવણીની થીમ ‘પ્રવાસન અને ટકાઉ પરિવર્તન’ છે.
ભારતની હીરાનગરી અને પ્રાચીનકાળનું ઐતિહાસિક બંદર એવું સુરત ઇતિહાસ, આધુનિકતા અને ભવિષ્યની દિશા સાથે જોડાઈને વિકાસના માર્ગે જઈ રહ્યું છે. સુરત તાપી નદીના કિનારે વસેલું એક એવું શહેર છે, જે ક્યારેક મુઘલ સમ્રાટો, યુરોપિયન વેપારીઓ અને અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રવેશદ્વાર હતું. આર્થિક વિકાસ સાથે સુરતમાં પ્રવાસન કેન્દ્રોમાં વધારો થયો છે. સુરતના ચોકબજાર સ્થિત હેરિટેજ કિલ્લો 16મી સદીના પોર્ટુગીઝ આક્રમણ સામેનું પ્રતિક છે. આ કિલ્લાને સુરત મહાનગરપાલિકા દ્વારા રિનોવેટ કરાયો છે. ડચ વેપારીઓની યાદ અપાવતો ડચ ગાર્ડન, લાકડાની દુર્લભ કોતરણી-કાષ્ઠકળા માટે જાણીતું ચિન્તામણી જૈન દેરાસર, જળસંગ્રહ અને પાણીના સુવ્યવસ્થિત સંચાલનની નિશાની ગોપી તળાવ અને ખમ્માવતી વાવ વાવ, પ્રાણી-પક્ષીઓની દુનિયા અને પ્રકૃતિની ગોદનો અનુભવ કરાવતું સરથાણા નેચર પાર્ક અન્ય શહેરો, રાજ્યોના પ્રવાસીઓને આકર્ષે છે.
જો સુરતના ગૌરવશાળી ઈતિહાસ અને જાજરમાન વર્તમાન તરફ નજર નાખીએ તો વિશ્વની 90% હીરા કટિંગ પોલિશિંગ ઇન્ડસ્ટ્રી ધરાવતી હીરા નગરી, જરી-બાંધણી માટે વિશ્વનું આગવું ટેક્ષટાઈલ હબ, ડુમ્મસ બીચ, સાયન્સ સેન્ટરનું આધુનિક જ્ઞાનપ્રદર્શન મુખ્ય છે. લોચો, ઊંધિયું, ખમણ અને સુરતી ઘારીનો સ્વાદ જ શહેરને “ફૂડ હેવન” બનાવી દે છે. ભારતના સૌથી સ્વચ્છ શહેરોમાંનું એક સુરત શહેર ઘનકચરાનું વ્યવસ્થાપન, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ અને રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં આગવી ઓળખ ધરાવે છે. જરીકળા-બાંધણી જેવા હસ્તકલાના ક્ષેત્ર આપણા પ્રાચીન વારસાને જીવંત રાખવામાં મદદ કરે છે. પ્રવાસનના કારણે હસ્તકલા કારીગરો, લારી-ફેરીવાળા અને સ્વસહાય જૂથોને રોજગારી મળે છે.
વિશ્વનું ડાયમંડ હબ સુરતમાં જો ડાયમંડ મ્યુઝિયમ નિર્માણ પામે તો પ્રવાસન વધુ તેજ બનશે. પ્રાચીન વારસો, હીરા અને કાપડ ઉદ્યોગનું સામર્થ્ય અને સ્માર્ટ સિટીની દ્રષ્ટિ એકસાથે મળી પ્રવાસનનું ટકાઉ મોડેલ ઊભું કરી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે