અમરેલી, 26 સપ્ટેમ્બર (હિ.સ.): કુંકાવાવ વડીયા તાલુકાના અમરાપુર ગામે જિલ્લા સ્તરે પ્રેરણા પ્રવાસ અને CRP તેમજ કૃષિ સખી માટે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોમાં નવી ખેતી ટેકનિક્સની જાણકારી લાવવી, પાક વ્યવસ્થાપન સુધારવું અને ખેડૂતોને કુદરતી ખેતી તરફ પ્રોત્સાહિત કરવો હતો.
પ્રેરણા પ્રવાસ અંતર્ગત ખેડૂતોને પંચસ્તરીય મોડલ ફાર્મનું નિરીક્ષણ કરાવવામાં આવ્યું. તે દરમિયાન ખેડૂતોએ વાવણી, પાક ચક્ર અને જમીનની યોગ્ય સંભાળ માટેની પદ્ધતિઓ અંગે પ્રાથમિક જ્ઞાન પ્રાપ્ત કર્યું. તાલીમમાં ખાસ કરીને જૈવિક ખાતર, જીવામૃત, પાકમાં રોગ નિયંત્રણ, પાણી સંચાલન અને જમીનની ઉત્પન્ન ક્ષમતા વધારવા માટેની રીતો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. CRP અને કૃષિ સખી માટે યોજાયેલી તાલીમમાં પ્રેરક વિચારો સાથે ટેકનિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ અપનાવવી, મરાંતિ અને જીવાતનો કુદરતી નિયંત્રણ અને ખર્ચ ઘટાડવાની રીતો સમજાવવામાં આવી. આ તાલીમથી ખેડૂતોને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ વધારે પાક પ્રાપ્ત કરવાની શક્યતા મળી શકે છે.
અમરાપુર ગામના ખેડૂતો અને CRP સખીઓએ આ તાલીમને બહુ મૂલ્યવાન ગણાવ્યું અને પોતાના ક્ષેત્રમાં આ પદ્ધતિઓ અમલમાં લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ પ્રકારના પ્રેરણા પ્રવાસ અને તાલીમ કાર્યક્રમો કૃષિ વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે અને ગ્રામ્ય સ્તરે કૃષિ પદ્ધતિઓને સુધારવા માટે પ્રેરણા પૂરી પાડે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai