નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર (હિ.સ.) અક્ષય કુમારની કોર્ટરૂમ ડ્રામા 'જોલી એલએલબી 3' રિલીઝ થયાને સાત દિવસ થઈ ગયા છે. 19 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા ત્રણ દિવસમાં બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો. જોકે, ત્યારથી, ફિલ્મની કમાણીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સાતમા દિવસના કલેક્શન હવે જાહેર થયા છે, જે અત્યાર સુધીના સૌથી ઓછા કલેક્શન સાબિત થયા છે.
બોક્સ ઓફિસ ટ્રેકર સેકનિલ્ક અનુસાર, 'જોલી એલએલબી 3' એ ગુરુવારે, રિલીઝના સાતમા દિવસે ₹3.50 કરોડનું કલેક્શન કર્યું હતું. આનાથી ફિલ્મની કુલ કમાણી ₹73.50 કરોડ થઈ ગઈ છે. ₹80 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં ₹108 કરોડથી વધુની કમાણી કરી છે. હાલમાં, તે 'ઓજી', 'નીશાનચી', 'અજેય' અને 'મીરાય' જેવી ફિલ્મો સાથે બોક્સ ઓફિસ પર સ્પર્ધા કરી રહી છે.
જોલી એલએલબી 3 નું નિર્દેશન સુભાષ કપૂર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને અરશદ વારસી ઉપરાંત સૌરભ શુક્લા, અમૃતા રાવ અને હુમા કુરેશી પણ છે. થિયેટર રિલીઝ પછી, આ ફિલ્મ ટૂંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ જીઓ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. નેટફ્લીક્સ એ ડિજિટલ રાઇટ્સ પણ મેળવી લીધા છે. નોંધનીય છે કે, ફ્રેન્ચાઇઝની પહેલી ફિલ્મ, જોલી એલએલબી, 2013 માં રિલીઝ થઈ હતી, જ્યારે તેની સિક્વલ, જોલી એલએલબી 2, 2017 માં રિલીઝ થઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ