મહેસાણા, 26 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલું ખાવડ ગામ સમગ્ર ઉત્તર ગુજરાતમાં “છોટે કાશી” તરીકે ઓળખાય છે. પ્રાચીન મંદિરો, આદ્યશક્તિ અને મહાકાળી માતાજીની આરાધના તથા ધાર્મિક મહોત્સવો ગામને વિશેષ ઓળખ આપે છે. પાટીદાર, રાજપૂત, ક્ષત્રિય, ઠાકોર સહિત અઢારે આલમના સમાજોના સહકારથી ગામમાં ભાઈચારો અને એકતા જળવાયેલી છે. ઊંચો સાક્ષરતા દર, પાકા રસ્તા, ગટર, શૌચાલય, દૂધ મંડળી, હાઈસ્કૂલ અને આરોગ્ય કેન્દ્ર જેવી સુવિધાઓ ગામના વિકાસની સાક્ષી છે.
લોકકથાઓ મુજબ વિક્રમ સંવત 1305માં પોપા પટેલ બહુચરાજી પાસેના કાલરી ગામથી ખાવડ આવ્યા અને સાથે આદ્યશક્તિ તથા મહાકાળી માતાજીને અહીં બિરાજમાન કર્યા. ત્યારથી દર વર્ષે વૈશાખ સુદ પૂનમે માંડવી મહોત્સવ ઉજવાય છે. છ બળદો જોડીને બનાવેલો રથ, 125 કાંસાની થાળીઓ સાથે શોભે છે અને ઘુઘલેશ્વર મહાદેવ સુધી પરિભ્રમણ કરે છે. ત્યાં પડતી કાંસાની થાળીને પવિત્ર માનવામાં આવે છે.
ઘુઘલા ગામનું 3000 વર્ષ જૂનું ઘુઘલેશ્વર મહાદેવ મંદિર પર્યટન કેન્દ્ર પણ છે. મંદિર પરિસરમાં 108થી વધુ બીલીનાં વૃક્ષો છે અને શ્રાવણ માસમાં 21 લાખ બીલીપત્ર ચઢાવાય છે. પરંપરા અને આધુનિકતાનું અનોખું સમન્વય ખાવડને આજે ખરેખર “છોટે કાશી” બનાવે છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR