મહેસાણા, 26 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા સ્થિત શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તથા સેવા પર્વ અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાકમાર્કેટમાં કામ કરતા શ્રમજીવીઓ માટે સબસિડી સાથેની લોન સહાય ચેકોનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સ્થાનિક પ્રજાસત્તાક અને કાર્યકરોએ વિશેષ ઉત્સાહ સાથે ભાગ લીધો.
લોન સહાય યોજના હેઠળ શ્રમજીવીઓને ઓછા વ્યાજ દર સાથે આર્થિક સહાય આપવામાં આવી રહી છે, જેથી તેઓ પોતાના વ્યવસાયમાં સુધારો અને વિકાસ કરી શકે. શાકમાર્કેટમાં કાર્યરત શ્રમજીવીઓની આર્થિક સ્થિતિ મજબૂત કરવા અને તેમને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસરૂપે આ યોજના અમલમાં લાવવામાં આવી છે. ચેક વિતરણ પ્રસંગે શ્રમજીવીઓમાં ખુશી અને આશાવાદનું વાતાવરણ જોવા મળ્યું.
આ પ્રસંગે બજાર સમિતિના પ્રમુખ અને અધિકારીઓએ વડાપ્રધાનના વિકાસ અને શ્રમિક સશક્તિકરણ માટેના કાર્ય વિશે વાત કરી અને આ યોજના શ્રમિકોની જીવનશૈલીમાં બદલાવ લાવશે તે વિશ્વાસ વ્યક્ત કર્યો. વિતરણ કાર્યક્રમ દરમિયાન શ્રમજીવીઓએ આર્થિક સહાય માટે આભાર વ્યક્ત કર્યો અને આવનારા સમયમાં પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરવાની પ્રતિજ્ઞા કરી.
આ કાર્યક્રમ વડાપ્રધાનના જનમદિવસ અને સેવા પર્વને વધુ સ્મરણિય બનાવ્યો છે. મહેસાણા સ્થિત શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા યોજાયેલા આ પ્રકારના પ્રયાસો શ્રમિક સશક્તિકરણ અને ગ્રામ્ય વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન પુરુ પાડે છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR