મહેસાણા, 26 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા શહેરના વોર્ડ નંબર 11 ખાતે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું શહેર નિર્માણના હેતુસર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં વોર્ડના કાઉન્સિલર, સ્થાનિક આગેવાનો, સમાજસેવકો તેમજ મોટી સંખ્યામાં રહીશો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
આ પ્રસંગે વિવિધ જાતના છાયા આપતા તેમજ ઔષધીય છોડનું રોપણ કરવામાં આવ્યું. વક્તાઓએ પર્યાવરણ પ્રદૂષણ, વધતી ગરમી અને ઓઝોન સ્તરની ચિંતા વચ્ચે વૃક્ષારોપણના મહત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે જણાવ્યું કે વૃક્ષો પ્રકૃતિના શ્રેષ્ઠ ઉપહાર છે, જે માનવજાતને શુદ્ધ હવા, છાયો, પાણીનું સંવર્ધન અને જીવન માટે જરૂરી ઓક્સિજન પૂરી પાડે છે. સ્થાનિક રહીશો અને યુવાનોને રોપાયેલા છોડની સંભાળ રાખવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો. વૃક્ષોની સંભાળ રાખવાથી આવતા વર્ષોમાં હરિયાળું પર્યાવરણ નિર્માણ થશે અને વોર્ડના સૌંદર્યમાં પણ વધારો થશે.
આ રીતે મહેસાણા શહેરના વોર્ડ નં. 11 માં યોજાયેલા આ વૃક્ષારોપણ કાર્યક્રમથી પર્યાવરણ જાગૃતિ અને સામૂહિક જવાબદારીનો સંદેશ વ્યાપક સ્તરે ફેલાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR