સુરત, 26 સપ્ટેમ્બર (હિ.સ.): વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ચોર્યાસી તાલુકાના મોરા, દામકા અને વાંસવા ગામે L&Tના CSR ફંડમાંથી રૂ.2.38 કરોડના ખર્ચે નવનિર્મિત 3 અંડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે વન,પર્યાવરણ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, સામાજિક જવાબદારીના ભાગરૂપે થતા CSR ફંડના સૌથી વધુ કાર્યો ઓલપાડ અને ચોર્યાસી તાલુકામાં કરવામાં આવે છે. જેમાં રોડ રસ્તા, શિક્ષણ સહિતની અનેક સુવિધાઓથી ગ્રામજનોને લાભાન્વિત કરવામાં આવે છે. અને હવે ૫ લાખ લીટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકીથી ગ્રામજનોની દૈનિક પાણીની સમસ્યામાં પણ રાહત થશે. દૈનિક કાર્યોની સાથે ખેતી અને પીવા માટે રોજેરોજ પાણી મળતા ગામલોકોની સુખાકારીમાં વધારો થશે.
આ પ્રસંગે તા.પં. પ્રમુખ તૃપ્તિબેન પટેલ, સરપંચો, L&Tના એડવાઈઝર ટુ હોલ ટાઈમ ડાયરેક્ટર સંજયભાઈ દેસાઈ, L&Tના જોઈન્ટ જનરલ મેનેજર મહેશ જોશી, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે