પાટણ, 26 સપ્ટેમ્બર (હિ.સ.): હારીજના ગોકુલ નગરમાં આવેલ મેલડી માતાના મંદિરે નવરાત્રી મહોત્સવની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ટ્યુબવેલ સામે આવેલા આ મંદિરમાં છેલ્લા ચાર વર્ષથી નવરાત્રીનું આયોજન થાય છે. આયોજનમાં વર્ષાબેન ધર્મેશભાઈ ઠક્કર, સોનલબેન એફ. ઠક્કર અને મંજુબેન જગદીશભાઈ ઠક્કર સહિતની મહિલાઓ સક્રિય ભૂમિકા ભજવે છે.
આ મંદિરનો ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ છે. એક દાયકા પહેલા જ્યાં આજે મંદિર છે, ત્યાં કચરાના ઢગ પડેલા જોવા મળતા હતા. સ્થાનિક રહીશોએ સ્થળની સફાઈ કરીને ત્યાં મેલડી માતાજીનું નાનું મંદિર બાંધ્યું હતું. આજે એ સ્થળ શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બની ચૂક્યું છે. નવરાત્રીના ચોથા નોરતે ભક્તોએ ઉત્સાહભેર ગરબાની રમઝટ બોલાવી હતી. આ પાવન પ્રસંગે ઉપસ્થિત તમામ ભક્તોને ભેટ સ્વરૂપે લોણીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ