જામનગર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જીવાપર રોડ પર આવેલા રાધેશ્યામ શ્રીકૃષ્ણ આશ્રમમાં બુધવારની મોડીરાત્રે હથિયારો સાથે ત્રણેક શખ્સ ઘૂસી ગયા પછી અંદર નિદ્રાધીન મહંતને આડેધડ માર મારી આ શખ્સો રોકડની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા છે. બનાવની પોલીસને જાણ કરાતા પોલીસ ટીમ દોડી ગઈ છે.
કાલાવડ નજીકના જીવાપર ગામના રોડ પર આવેલા રાધેશ્યામ શ્રીકૃષ્ણ આશ્રમમાં બુધવારની રાત્રે કેટલાક શખ્સો ધોકા સહિતના હથિયારો સાથે ઘૂસી ગયા હતા. આ શખ્સોએ આશ્રમમાં નિદ્રાધીન મહંત રાધેશ્યામ બાપુ પર હુમલો કર્યાે હતો.
ત્યારપછી આ શખ્સોએ અંદરથી રૂપિયા પાંત્રીસેક હજાર રોકડાની લૂંટ ચલાવ્યાનું બહાર આવ્યું છે. આ બનાવની ગઈકાલે સવારે આશ્રમના અનુયાયીઓને જાણ થતાં પોલીસને વાકેફ કરવામાં આવી હતી. દોડી આવેલી પોલીસ ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરયો છે. વધુમાં જાણવા મળ્યા મુજબ ત્રણેક જેટલા શખ્સો ધોકા, સળીયા વગેરે સાથે ચઢી આવ્યા હતા. તેઓએ મહંતને મુંઢ માર મારી ઈજા પહોંચાડી હતી અને રૂપિયા પાંસઠેક હજારની રોકડની લૂંટ ચલાવી હતી. આ બનાવની પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt