પાટણ, 26 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ શહેરની જાણીતી સંસ્થા 'માં નો પરિવાર' દ્વારા 5 ઓક્ટોબર, રવિવારના રોજ ભવ્ય 'રાધે રાસોત્સવ' નું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશિષ્ટ ગરબા મહોત્સવ 'અંગદાન એ જ મહાદાન' થીમ પર આધારિત રહેશે, જેમાં અંગદાન વિષયક જનજાગૃતિ લાવવાનો મુખ્ય હેતુ છે. કાર્યક્રમ પાટણના લેમોનેટ પાર્ટી પ્લોટ, કે.સી. પટેલ વિદ્યા સંકુલ ખાતે સાંજે યોજાવાનો છે.
કાર્યક્રમ અંગે હુડકોના ડિરેક્ટર કે.સી. પટેલે જણાવ્યું હતું કે, આ ઉજવણીમાં અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ વિશિષ્ટ હાજરી આપશે. મહોત્સવ દરમિયાન વિવિધ વય જૂથના ખેલૈયાઓ માટે ગરબા સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિજેતાઓને આકર્ષક ઇનામો આપવામાં આવશે. સાથે જ સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ પણ કાર્યક્રમમાં હાજર રહી એના પ્રેરણાસ્રોત બનશે.
સ્નેહલ પટેલે જણાવ્યું હતું કે, ખેલૈયાઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે, પરંતુ પ્રી-પાસ ફરજિયાત રહેશે. ખેલૈયાઓ 1 થી 4 ઓક્ટોબર દરમિયાન બપોરે 1 થી 4 વાગ્યા સુધી સિદ્ધરાજ ક્રેડિટ સોસાયટીમાંથી પાસ મેળવી શકશે. પાસ વિના પ્રવેશ આપવામાં નહીં આવે. કાર્યક્રમની તૈયારીઓમાં દર્શકભાઈ ત્રિવેદી, યતીન ગાંધી, કમલેશભાઈ સ્વામી, નિશાબેન પટેલ, ઉત્કર્ષભાઈ પટેલ સહિતના સભ્યોએ સક્રિય ભાગ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ