પાટણ, 26 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણ શહેરના નિવૃત્ત સરકારી શિક્ષક વીરાભાઈ ઈશ્વરભાઈ પરષોતમદાસ પટેલ (રહે. સિદ્ધહેમ નગર સોસાયટી) સાથે 44 લાખ રૂપિયાની મોટાપાયે ઓનલાઈન છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. તારીખ 03-09-2025 થી 24-09-2025 દરમિયાન વિદેશી મોબાઈલ નંબર પરથી થયેલા કોલમાં ફરિયાદીને બાળ અંગોની લે-વેચ અને કાળા નાણાંની હેરફેરના ખોટા આરોપ હેઠળ ફસાવવામાં આવ્યા હતા.
કોલ કરનાર ગઠિયાએ પોતાને દિલ્હી પોલીસના બલરામકુમાર તરીકે ઓળખાવ્યો હતો અને પછી CBI/IPS અધિકારી સુનીલકુમાર ગૌતમ તથા ટીમ લીડર પ્રદીપ તરીકે પણ જુદા જુદા આરોપીઓએ પોલીસ અધિકારી તરીકે પરિચય આપ્યો. આરોપીઓએ ફરિયાદીને કહેલું કે તેમની સામે 6.8 કરોડ રૂપિયાનું ફ્રોડ નોંધાયું છે અને તેઓ ડિજિટલ એરેસ્ટ હેઠળ છે, જેને લઈને તેમને ડરાવ્યા અને ખોટી માહિતી આપી વિશ્વાસમાં લીધા.
આરોપીઓએ ફરિયાદીને કહ્યું કે તેમના તથા તેમની પત્નીની તમામ FD તોડી ને ‘વેરીફિકેશન માટે’ રકમ RBIમાં મોકલવી પડશે. ફરિયાદીએ પોસ્ટ ઓફિસ અને અન્ય બેંકોમાંથી તમામ રોકડ રકમ પોતાના બેંક ખાતામાં જમા કરાવી. ત્યારબાદ તા. 16-09-2025ના રોજ ફરિયાદી અને તેમની પત્નીના ખાતામાંથી કુલ ₹44,00,000ની રકમ ચેક મારફતે ગઠિયાઓના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગઈ.
આર્થિક છેતરપિંડીને પાંખો આપવા માટે આરોપીઓએ ફરિયાદીને ખોટું RBI સર્ટિફિકેટ પણ મોકલ્યું હતું. આ સમગ્ર મામલે પાટણ સાયબર ક્રાઈમ પોલીસ મથકે સાયબર ફ્રોડનો ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ