26 સપ્ટેમ્બર વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસઃ રાજકોટ જિલ્લામાં 1.57 લાખ વૃક્ષોનું વાવેતર
- ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન હેઠળ રાજ્યમાં ગત વર્ષે 17.50 કરોડ રોપા વિતરણ કરાયું, જે દેશમાં બીજા ક્રમે હતું - રાજકોટ-મોરબી જિલ્લામાં 22 હેક્ટર વિસ્તારમાં 22 વનકવચનું ચાલતું નિર્માણ - વનની બહાર હરિત આવરણ વધારવા સામાજિક વનીકરણ વિભાગની ગતિશીલ કામગીરી
26 સપ્ટેમ્બર વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસઃ રાજકોટ જિલ્લામાં 1.57 લાખ વૃક્ષોનું વાવેતર


- ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન હેઠળ રાજ્યમાં ગત વર્ષે 17.50 કરોડ રોપા વિતરણ કરાયું, જે દેશમાં બીજા ક્રમે હતું

- રાજકોટ-મોરબી જિલ્લામાં 22 હેક્ટર વિસ્તારમાં 22 વનકવચનું ચાલતું નિર્માણ

- વનની બહાર હરિત આવરણ વધારવા સામાજિક વનીકરણ વિભાગની ગતિશીલ કામગીરી

રાજકોટ,26 સપ્ટેમ્બર (હિ.સ.) દુનિયાના દેશોમાં દર વર્ષે 26 સપ્ટેમ્બર ‘વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. આપણે જે પર્યાવરણમાં જીવન જીવીએ છીએ, તેનું સ્વાસ્થ્ય જાળવવું ખૂબ જરૂરી છે. પ્રકૃતિ અને પર્યાવરણના સ્વાસ્થ્ય વિશે લોકો જાગૃત થાય તે માટે ઈન્ટરનેશનલ ફેડરેશન ઑફ એન્વાયરમેન્ટલ હેલ્થ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ‘વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ’ની વર્ષ 2025ની થીમ છે ‘‘સ્વચ્છ હવા, સ્વસ્થ લોકો’’. તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રાણવાયુ એટલે કે શુદ્ધ હવા અનિવાર્ય છે. તેના વિના જીવન સંભવ જ નથી. ખોરાક અને પાણી વિના માણસ અમુક દિવસ જીવી શકે, પરંતુ હવા વિના તો મિનિટો પણ જીવી ન શકાય. વર્તમાન સમયમાં વૈશ્વિક તાપમાન અને પ્રદૂષણના કારણે હવામાન દૂષિત થઈ રહ્યું છે ત્યારે સ્વચ્છ હવા માટે સહિયારા પ્રયાસો જરૂરી બની જાય છે.

મહત્વનું છે કે, વૈશ્વિક તાપમાન અને વર્તમાન સમયમાં પર્યાવરણના વિવિધ પ્રશ્નોનો ઉકેલ પ્રકૃતિના જતન, સંવર્ધન અને પ્રકૃતિને અનુકૂળ જીવનશૈલીમાં જોવામાં આવે છે. ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલા ‘મિશન લાઈફ’ તેમજ ‘એક પેડ માઁ કે નામ અભિયાન’ આ દિશામાં અસરકારક બની રહ્યા છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત પણ ‘ગ્રીન ગોથ’ના વિચાર સાથે ‘હોલિસ્ટિક ડેવલપમેન્ટ’ (સર્વગ્રાહી વિકાસ)ના અભિગમથી આગળ વધી રહ્યું છે.

હાલમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૭૬મા વન મહોત્સવ અંતર્ગત ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં 24 મા સાંસ્કૃતિક વનનું લોકાર્પણ કર્યું હતું. આ અવસરે તેમણે કહ્યું હતું કે, ગુજરાતે સર્વગ્રાહી પર્યાવરણ સંરક્ષણ સંવર્ધન માટેની ઈકો સિસ્ટમ ઊભી કરી છે. ક્લાઈમેટ ચેન્જના પડકારો સામે Lifestyle for Environment - મિશન લાઈફ, હરિત ઊર્જા માટે પુનઃપ્રાપ્ત ઊર્જા અને સોલાર રૂફટોપ તથા જળસંચય માટે ‘કેચ ધ રેઈન’ અને ‘અમૃત સરોવર’નું નિર્માણ, ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષોના વાવેતરથી હરિયાળી ક્રાંતિ દ્વારા પર્યાવરણ સંતુલન સાથેનો વિકાસ ગુજરાતે કર્યો છે.

‘એક પેડ માઁ કે નામ’ અભિયાન હેઠળ મિયાવાકી પદ્ધતિથી રાજ્યમાં ૨૦૭ વન કવચ અને ‘82 નમો વન વડ’ નિર્માણ કરવામાં આવ્યા છે. જેના કારણે રાજ્યમાં વન વિસ્તાર બહારનું ગ્રીન કવર વધીને 1143 ચોરસ મીટર થયું છે. ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન હેઠળ ગુજરાતે ગયા વર્ષે 17.50 કરોડ રોપા વિતરણ કર્યા હતા, જે સમગ્ર દેશમાં બીજા ક્રમે હતા.

રાજકોટ જિલ્લાની વાત કરીએ તો, સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લામાં પર્યાવરણના સ્વાસ્થ્યના જતન સાથે હરિત આવરણ વધારવા સઘન પ્રયાસો ચાલી રહ્યા છે. રાજકોટ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન 2.0 અતંર્ગત, રાજકોટના સામાજિક વનીકરણ વિભાગની 19 નર્સરીઓ દ્વારા 35 લાખથી વધુ રોપાઓ વાવેતર કરવા માટે ગ્રામજનો, શહેરી નાગરિકો, ખેડૂતોને આપવામાં આવ્યા છે. ચોમાસા દરમિયાન 118 હેક્ટરમાં 1.5 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે. મિયાવાકી વાવેતર પદ્ધતિથી રાજકોટ-મોરબી જિલ્લામાં 22 હેક્ટરમાં 22 વનકવચના નિર્માણની કામગીરી ગતિમાન છે. જેમાં 2.20 લાખ રોપાઓના વાવેતરનું આયોજન છે.

તેમણે ઉમેર્યું હતું કે, ખેડૂતો પોતાના ખેતરમાં ફળાઉ વૃક્ષોનું વાવેતર કરે, તેનાથી તેમને આવક થાય, સાથે પર્યાવરણનું પણ જતન થાય તે હેતુથી એગ્રો ફોરેસ્ટ્રી યોજના હેઠળ, 1065 હેક્ટરમાં વૃક્ષોના વાવેતર માટે નાણાકીય સહાય ચૂકવવામાં આવી રહી છે. ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓને સાથે રાખીને વનીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. 17 સપ્ટેમ્બરે ‘સેવાપર્વ-2025 ’ અંતર્ગત મોરબી પાંજરાપોળ ટ્રસ્ટ, સદભાવના વૃદ્ધાશ્રમ તથા વનવિભાગના સંયુક્ત ઉપક્રમે 10 લાખ રોપાઓનું વનકવચ લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.જો કે પર્યાવરણના સ્વાસ્થ્યના જતન માટે નાગરિકોની સક્રિયતા અને સહિયારા પ્રયાસો પણ ખૂબ જરૂરી છે.

હિન્દુસ્થાન સમાચાર/હર્ષ શાહ

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande