- સારા વરસાદ, સૌની યોજના દ્વારા ઠલવાયેલા પાણીના લીધે સૌરાષ્ટ્રના જળાશયોમાં 90 ટકા જળરાશિ ઉપલબ્ધ
રાજકોટ,26 સપ્ટેમ્બર (હિ.સ.) રાજ્યમાં આ વર્ષે થયેલા સારા વરસાદ તથા સૌની યોજના દ્વારા ઠલવાયેલા પાણીના લીધે સૌરાષ્ટ્રના વિવિધ જળાશયોમાં કુલ સંગ્રહશક્તિના 90 ટકા જેટલો પાણીનો જથ્થો હાલ ઉપલબ્ધ છે. જેના લીધે આશરે 6 લાખ એકર વિસ્તારમાં ખરીફ, રવિ તથા ઉનાળુ સિઝન પાક માટે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે અને સિંચાઈની સુવિધા દ્રઢ થશે. ઉપરાંત રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર અને મોરબી જિલ્લામાં પીવાના પાણીની સુખાકારીમાં વધારો થશે.
રાજ્યના જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ હાલમાં જ રાજકોટમાં મુખ્ય ઈજનેર અધિક સચિવ (સૌરાષ્ટ્ર) તથા ક્ષાર પ્રવેશ નિવારણ વર્તુળ-રાજકોટના અધિક્ષક ઈજનેર સહિતના અધિકારીઓ સાથે મહત્વની સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં ઉપરોક્ત માહિતી સામે આવી હતી.
તાજેતરમાં જ ઉપરવાસમાંથી પાણીની વધારે આવકના કારણે સરદાર સરોવર જળાશય પહેલી ઓગસ્ટના રોજ ઓવરફ્લો થયું હતું. આ વધારાનું પાણી નર્મદાની મુખ્ય કેનાલ મારફત સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા તળાવો, ચેકડેમ તથા જળાશયમાં ઠાલવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
મંત્રીના આ નિર્ણયના કારણે આજ સુધીમાં સૌની યોજનાની ચારેય લિન્ક મારફત કુલ 60,000 લાખ ઘનફુટ પાણી સૌરાષ્ટ્રના 38 જળાશય, 45 તળાવ અને 562 ચેકડેમોમાં આપવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે પીવાના પાણીના ડેમો જેવા કે આજી-1, ન્યારી-1, આજી-3, મચ્છુ-1, ભાદર-1, આલણસાગર, બોર તળાવનો સમાવેશ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર/હર્ષ શાહ
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ