અમરેલી, 26 સપ્ટેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ધજડી ગામની મહિલાઓ આત્મનિર્ભર બનવાના માર્ગ પર આગળ વધી રહી છે. આ પરિવર્તન પાછળ પ્રેરણાનું નામ છે — તરુણાબેન દેવાણી. માત્ર આઠમા ધોરણ સુધી અભ્યાસ કરેલી તરુણાબેન છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાઈ મહિલાઓ માટે સફળતાનું જીવંત ઉદાહરણ બની છે.
તરુણાબેન દેવાણી અમરેલી જિલ્લાના બાઢડા ગામમાં રહે છે. ખેતી પ્રત્યેનો શોખ અને નવિનતા અપનાવવાની દૃઢ ઈચ્છાથી તેમણે પોતાના ખેતરમાં મધ ઉત્પાદન શરૂ કર્યું. ખેતરમાંથી જ કુદરતી રીતે મેળવેલું મધ તેઓ બજારમાં વેચે છે, જેના દ્વારા સતત આવક મેળવતા થયા છે. મધ ઉપરાંત તેઓ કડવા કોઠંબાનું વાવેતર કરી, તેનીમાંથી મીઠી કાચરી બનાવી બજારમાં વેચાણ કરે છે. તેમની બનાવેલી કાચરી સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ આજુબાજુના વિસ્તારોમાં પણ લોકપ્રિય બની છે.
અત્યાર સુધી માત્ર ખેતીમાંથી થતો લાભ પૂરતો ન માની, તરુણાબેને કેરીની ગોટલીમાંથી મુખવાસ તૈયાર કરવાનો પણ પ્રયોગ કર્યો છે. આ અનોખી પ્રોડક્ટને સ્થાનિક બજારમાં સારી માંગ મળી રહી છે. તેમની મહેનતના પરિણામે દર મહિને અંદાજે 25 થી 30 હજાર રૂપિયાનો વેચાણ થાય છે. આજથી પાંચ વર્ષ પહેલા માત્ર ₹1,000 ની નાની આવકથી શરૂ કરેલી આ યાત્રા આજે સશક્તિકરણનું પ્રતિક બની છે.
તરુણાબેન દેવાણીની સફળતા જોઈ અમરેલી જિલ્લાના અનેક મહિલાઓએ તેમની પાસેથી તાલીમ મેળવી છે. તાલીમ બાદ ઘણી મહિલાઓ પોતપોતાના ગામમાં પ્રાકૃતિક ખેતી અને ઘરઆધારિત ઉત્પાદન દ્વારા રોજગાર ઉભો કરી રહી છે. હજારો રૂપિયાની આવક સાથે આજે આ મહિલાઓ પોતાના પરિવારને આર્થિક રીતે મજબૂત બનાવી રહી છે.
તરુણાબેન માત્ર પોતાની જ નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં મહિલાઓ માટે માર્ગદર્શિકા બની છે. તેમની કહાની સાબિત કરે છે કે મર્યાદિત સંસાધનો હોવા છતાં દૃઢ મનોબળ, પ્રયોગશીલતા અને મહેનતથી આત્મનિર્ભરતા મેળવી શકાય છે. અમરેલી જિલ્લાના મહિલાઓના સારથી તરીકે તરુણાબેન દેવાણી આજે પ્રખ્યાત છે અને અનેક મહિલાઓ માટે પ્રેરણાદાયી બની રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai