ગાયના ગોબરમાંથી 20 પ્રકારની પ્રોડક્ટ બનાવી ઠુંમર હેતલબેનનો 10 લાખનો વ્યવસાય
અમરેલી, 26 સપ્ટેમ્બર (હિ.સ.) જાંબાળા ગામની ગાયપ્રેમી મહિલા ઠુંમર હેતલ કૈલાશભાઈએ ગાયના ગોબર અને ગૌમુત્રમાંથી અનોખો વ્યવસાય શરૂ કરી આત્મનિર્ભરતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ચાર વર્ષ પહેલાં ગાય બચાવવાનો સંકલ્પ લઈ તેમણે ગોબર અને ગૌમુત્રમાંથી વિ
ગાયના ગોબરમાંથી 20 પ્રકારની પ્રોડક્ટ બનાવી ઠુંમર હેતલબેનનો 10 લાખનો વ્યવસાય


અમરેલી, 26 સપ્ટેમ્બર (હિ.સ.) જાંબાળા ગામની ગાયપ્રેમી મહિલા ઠુંમર હેતલ કૈલાશભાઈએ ગાયના ગોબર અને ગૌમુત્રમાંથી અનોખો વ્યવસાય શરૂ કરી આત્મનિર્ભરતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ચાર વર્ષ પહેલાં ગાય બચાવવાનો સંકલ્પ લઈ તેમણે ગોબર અને ગૌમુત્રમાંથી વિવિધ પ્રોડક્ટ બનાવવાનું શરૂ કર્યું હતું. આજે તેઓ ગાય માતાના ગોબરમાંથી 20થી વધુ પ્રકારની વસ્તુઓ બનાવી વર્ષનું આશરે 10 લાખનું વેચાણ કરે છે.

હેતલબેન જણાવે છે કે ગાયના ગોબરને વ્યર્થ ન ગણવું જોઈએ. કુદરતી સંપત્તિરૂપ ગોબરનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તેમાંથી અનેક પ્રોડક્ટ તૈયાર થઈ શકે છે. તેમણે બાળકો માટે રમકડાં, શુભલાભ, અગરબત્તી, ધૂપબત્તી, મોબાઈલ સ્ટેન્ડ, માળા, વિવિધ પ્રકારના સાબુ સહિતની વસ્તુઓ તૈયાર કરી બજારમાં મૂકી છે. ખાસ કરીને અગરબત્તી અને ધૂપબત્તીના છ-છ અલગ પ્રકાર તૈયાર કરી લોકો સુધી પહોંચાડવામાં આવે છે.

ગાયના ગોબરથી બનેલા આ પ્રોડક્ટ માત્ર પર્યાવરણને અનુકૂળ જ નથી પરંતુ આરોગ્યપ્રદ અને સસ્તા પણ છે. રસાયણમુક્ત આ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા વધે છે અને આરોગ્યને ફાયદો થાય છે. બજારમાં આવા કુદરતી પ્રોડક્ટની માંગ વધતી હોવાથી હેતલબેનનો વ્યવસાય દિવસેને દિવસે વિકસી રહ્યો છે.

હેતલબેનનો પ્રયાસ માત્ર આવક સુધી સીમિત નથી. તેઓ ગાયના ગોબર અને ગૌમુત્રના મહત્વ વિશે લોકોને જાગૃત પણ કરે છે. તેઓ ઈચ્છે છે કે વધુ લોકો ગાયપ્રેમ તરફ વળે અને કુદરતી પ્રોડક્ટનો ઉપયોગ વધે.

ગામના લોકો પણ હેતલબેનના આ પ્રયાસને પ્રોત્સાહન આપે છે. ગાયના ગોબરમાંથી બનતા પ્રોડક્ટના કારણે એક તરફ રોજગારીના નવા રસ્તા ખુલ્યા છે તો બીજી તરફ ગાયના સંરક્ષણમાં પણ યોગદાન મળી રહ્યું છે.

ઠુંમર હેતલબેનનું કહેવું છે કે ગાય માતા આપણને જીવન માટે જરૂરી બધું આપે છે. ગોબર અને ગૌમુત્રનો સદુપયોગ કરીને ગાયનું રક્ષણ થાય છે અને સાથે આવકનો પણ રસ્તો બને છે.

ગાયના ગોબરને વ્યર્થ ન ગણતા તેનો ઉપયોગ કરી સફળ વ્યવસાય ઉભો કરનાર હેતલબેન આજે અનેક મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande