પાટણ, 26 સપ્ટેમ્બર (હિ.સ.): સરસ્વતી તાલુકાના બી.આર.સી. ભવન ખાતે ધોરણ ૬ થી ૮ ના અંગ્રેજી વિષયના શિક્ષકો માટે બે દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમનો મુખ્ય હેતુ શિક્ષકોને પેડાગોજીકલ આધારિત શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને શિક્ષણ આવૃત્તિ અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. તાલીમ દરમિયાન તાલુકાના માસ્ટર ટ્રેનર્સ દ્વારા શિક્ષકોને અસરકારક શિક્ષણ પદ્ધતિઓ વિશે ઉપયોગી જાણકારી આપવામાં આવી હતી.
તાલીમના સત્રો દરમિયાન પીએમ ભાટસણના શિક્ષક તથા માસ્ટર ટ્રેનર નિલેશ શ્રીમાળીએ તેમની સ્વનિર્મિત અંગ્રેજી રાઈમ રજૂ કરી હતી, જેમાં વિવિધ અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) સમાવિષ્ટ હતી. તેમણે રાઈમને એક્શન સોંગના રૂપમાં રજૂ કરીને તાલીમાર્થી શિક્ષકોમાં ઉત્સાહ અને રસ પેદા કર્યો હતો. ઉપરાંત, અન્ય ઉપસ્થિત શિક્ષકો દ્વારા પણ વિવિધ રાગમાં આ રાઈમનું ગાન કરવામાં આવ્યું હતું, જેને કારણે કાર્યક્રમ વધુ મનોહર અને ઉજાસભર્યું બન્યું હતું.
આ કાર્યક્રમમાં બી.આર.સી. સરસ્વતીના રતાજી ઠાકોર, તાલુકાના અંગ્રેજી વિષયના માસ્ટર ટ્રેનર્સ અને અન્ય ઉત્સાહી શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને વધુ પ્રેરણાદાયક બનાવ્યો હતો. આ પ્રસંગે નિલેશ શ્રીમાળીને શિક્ષણક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ શ્રેષ્ઠ માસ્ટર ટ્રેનર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા અને સન્માનપત્ર આપવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ