મહેસાણા, 26 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લાના ઊંઝા APMCમાં આજે યોજાયેલી ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. છેલ્લા નવ માસથી ચાલી રહેલી રાજકીય જૂથબંધી અને ખેંચતાણ વચ્ચે અંતે દિનેશ પટેલે ચેરમેન પદ પર કબજો જમાવ્યો છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે વિષ્ણુ પટેલ (SUN) ની વરણી થઈ છે.
ચૂંટણી પહેલા જ દિનેશ પટેલ મુખ્ય દાવેદાર તરીકે ચર્ચામાં હતા. ભાજપની આંતરિક જૂથબંધી વચ્ચે પણ તેઓએ પોતાની રાજકીય કૌશલ્ય અને સમર્થકોના વિશ્વાસના બળ પર ચેરમેન પદ પોતાના નામે કરાયું છે. બીજી તરફ વિષ્ણુ પટેલે વાઇસ ચેરમેન પદ જીતતા તેમના સમર્થકોમાં આનંદની લાગણી વ્યાપી છે.
ઉંઝા APMC જિલ્લાની કૃષિ અર્થવ્યવસ્થા માટે એક મહત્વનું કેન્દ્ર છે. અહીં ધાણા, આજીમો, જીરૂ સહિતના મસાલાના મોટા હોલસેલ બજાર ચાલે છે. પરિણામે, ચેરમેન અને વાઇસ ચેરમેન પદે કોણ બિરાજે છે તે માત્ર રાજકીય નહીં પરંતુ આર્થિક દૃષ્ટિએ પણ મહત્વ ધરાવે છે. ખેડૂતો, વેપારીઓ અને ખરીદદારોની મોટી સંખ્યામાં નજર આ ચૂંટણી પર જામી હતી.
સ્થાનિક સૂત્રો અનુસાર, ચૂંટણી પહેલાં ભારે બેઠકો, ચર્ચાઓ અને સમીકરણો થયા હતા. થોડા મત પણ પરિણામ નક્કી કરી શકે એવી પરિસ્થિતિ સર્જાઈ હતી. અંતે, દિનેશ પટેલ અને વિષ્ણુ પટેલે વિજય મેળવીને ભાજપના સ્થાનિક નેતૃત્વની મજબૂતીનો સંદેશ આપ્યો છે.
આ ચૂંટણીનું પરિણામ ભાજપની આંતરિક જૂથબંધી માટે પણ એક મોટો સંકેત છે. એક તરફ દિનેશ પટેલની જીતથી તેમની આગવી ઓળખ મજબૂત થઈ છે, તો બીજી તરફ વિષ્ણુ પટેલની વરણીથી તેમના જૂથમાં નવચેતના સંચાર થયો છે.ચૂંટણી પછી ગામ તથા તાલુકા વિસ્તારમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. સમર્થકોમાં મીઠાઈ વહેંચાઈ, ફટાકડા ફોડાયા અને એકબીજાને અભિનંદન પાઠવાયા.ઉંઝા APMCના નવા ચેરમેન અને વાઇસ ચેરમેન હવે ખેડૂતો અને વેપારીઓના હિતોને ધ્યાનમાં રાખીને કઈ નીતિઓ અમલમાં મૂકે છે અને માર્કેટના વિકાસ માટે કઈ દિશા નક્કી કરે છે તે આવનારા દિવસોમાં જોવા મળશે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR