સુરત, 26 સપ્ટેમ્બર (હિ.સ.): ગુજરાતમાં હીરા ઉદ્યોગ મોટા પ્રમાણમાં રોજગારી આપે છે અને દેશ માટે વિદેશી હુંડિયામણ મેળવવાનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ હીરા ઉદ્યોગ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિષમ પરિસ્થિતિના કારણે અસરગ્રસ્ત રત્નકલાકારો અને સુક્ષ્મ એકમો પુનઃસ્થાપિત થઈ શકે તે હેતુ માટે અસરગ્રસ્ત રત્ન- કલાકારો અને એકમો માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું.
હીરા ઉદ્યોગની મહત્વતાને ધ્યાને લઈને ઉદ્યોગના પાયાના કામદારો એટલે કે, રત્નકલાકારોના બાળકોને સ્કૂલ ફી પેટે શૈક્ષણિક વર્ષ 2025-26 માં રૂ.13,500 સુધીની સ્કૂલ ફી રાજ્ય સરકારે ભોગવવાનું નક્કી કર્યું છે. તેમજ અસરગ્રસ્ત હીરા ઉદ્યોગના સૂક્ષ્મ એકમોના પુનઃસ્થાપન માટે વ્યાજ સહાય જાહેર કરી છે. સુરતમાં અસરગ્રસ્ત રત્નકલાકારો બહોળી સંખ્યામાં આ યોજનાનો લાભ લઈ શકે તે હેતુસર કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી કમિટીએ સ્કૂલો દ્વારા રત્નકલાકારોને સમજ આપવાનું નક્કી કરાયું હતું. ઉપરાંત રત્નકલાકારોને સુરત ડાયમંડ એસોસિએશન પાસેથી ભલામણપત્ર મેળવવા જરૂરી હતા. જેથી રત્નકલાકારોએ સુરત ડાયમંડ એસો.માં પણ જવાની જરૂર ન રહે તે હેતુસર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સુરત ડાયમંડ એસો. પાસેથી ભલામણ પત્રો મેળવવાનું કમિટીએ નક્કી કર્યું હતું.
ઠરાવ મુજબ તારીખ 31-03-2024 બાદ કારખાનામાંથી છુટા થયા હોય અને હાલ હીરા ઉદ્યોગ ક્ષેત્રની રોજગારીથી વંચિત હોય તેવા રત્નકલાકારોના બાળકોને એક વર્ષ માટે ફી ના સો ટકા લેખે પ્રતિ બાળક ભરવામાં આવેલ સ્કૂલ ફી માટે મહત્તમ રૂ.13,500ની મર્યાદામાં સહાય જાહેર કરવામાં આવી જેમાં ઠરાવ મુજબ જિલ્લા કક્ષાએ કલેક્ટરની અધ્યક્ષતામાં સમિતિ બનાવવામાં આવી, જેમાં જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સભ્ય સચિવ તથા સભ્યો તરીકે જિલ્લા શ્રમ અધિકારી, જિલ્લા રોજગાર અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, લીડ બેન્ક ઓફિસર અને ડાયમંડ એસો.ના પ્રતિનિધિને નિયુકત કરવામાં આવ્યા. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા એસોસિએશનને તમામ અરજીઓ ભલામણ અર્થે મોકલી આપવામાં આવી. જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને કુલ 74268 અરજીઓ મળી હતી. જે પૈકી કુલ 47599 અરજીઓ ભલામણ સહ જીલ્લા ઉદ્યોગ કેન્દ્રને પરત મળી હતી. આમ, કુલ 48599 અરજીઓના કુલ 50241 બાળકોને સ્કૂલ ફી પેટે સહાય રાજ્ય સરકાર ચુકવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રજાલક્ષી નિર્ણયને કારણે રાજ્યના હીરા ઉદ્યોગના રત્નકલાકારો અને એકમોની સ્થિરતા જાળવવા માટે મહત્વના પગલાં સમાન આ પેકેજથી રત્ન કલાકાર પરિવારો તેમજ ઉદ્યોગ એકમોને મોટી રાહત થઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે