જામનગર, 26 સપ્ટેમ્બર (હિ.સ.) : રાષ્ટ્રવ્યાપી 'સેવા પર્વ - ૨૦૨૫'ની ઉજવણીના ભાગરૂપે 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ અંતર્ગત કાલાવડ તાલુકાના વોડીસાંગ ગામે 'એક દિવસ, એક કલાક, એક સાથે શ્રમદાન' ના સૂત્રને સાર્થક કરવા સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં કાલાવડ વિધાનસભાના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ સ્વચ્છતાના મહત્વ અને તેની જરૂરિયાત અંગે ઉપસ્થિત સૌ લોકોને સમજ આપી પ્રેરિત કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓએ 'ગામની સ્વચ્છતા અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ' વિશે ઊંડાણપૂર્વક જાગૃતિ ફેલાવી હતી. તેમણે ખાસ કરીને પ્લાસ્ટિકના ઉપયોગના ગેરફાયદા, ક્લાયમેટ ચેન્જમાં તેની ભૂમિકા અને પર્યાવરણ પર થતી ગંભીર અસરો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સૌ કોઈને પ્લાસ્ટિક મુક્ત ભારતના નિર્માણમાં સક્રિય સહભાગી બનવા અને આવનારી પેઢીને સ્વચ્છ વાતાવરણ આપવા માટે સમજાવવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતમાં, ઉપસ્થિત સૌ કોઈએ સ્વચ્છતા જાળવવાના શપથ લીધા હતા. આ ઉપરાંત, ગામના સફાઈ કર્મચારીઓને તેમના અમૂલ્ય યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ તેમના સ્વાસ્થ્યની કાળજી રૂપે તેમનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. અંતમાં, ગામના લેગસી વેસ્ટની સફાઈ અને વૃક્ષારોપણની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી જેના દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સ્પષ્ટ સંદેશો અપાયો હતો.
ઉલ્લેખનીય છે કે, 'સેવા પર્વ - ૨૦૨૫'ની ઉજવણી ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ગુજરાત સહિત દેશભરમાં વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, આરોગ્ય તપાસ શિબિરો અને પર્યાવરણ જાગૃતિ જેવા વિવિધ સેવાકાર્યોનું આયોજન થઈ રહ્યું છે.
આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જામનગરના નિયામક એસ.એમ. કાથડ, ડીસ્ટ્રીકટ કો-ઓર્ડીનેટર-સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) વી.બી.ગોસ્વામી, કાલાવડ મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત કાલાવડ પ્રમુખ અને સભ્યો સહિત વન અને પર્યાવરણ વિભાગ, આરોગ્ય વિભાગ, જિલ્લા તથા તાલુકા પંચાયતના કર્મીઓ, વોડીસંગના સરપંચ, ગ્રામજનો, સ્વસહાય જૂથની બહેનો તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt