જામનગર, 29 સપ્ટેમ્બર (હિ.સ.) :જામનગર ખાતે BAPS સંસ્થા, જિલ્લા શિક્ષણ સમિતિ અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે 'ચાલો બનીએ આદર્શ' કાર્યક્રમ અને શિક્ષકોનું અધિવેશન યોજાયું. આ કાર્યક્રમ ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ યોજાયો હતો. આનો મુખ્ય હેતુ પ્રાથમિક શાળાના બાળકોમાં જ્ઞાન અને સંસ્કારોનું સિંચન કરી તેમને આદર્શ નાગરિક બનાવવાનો છે, જેથી તેઓ કુટુંબ, ગામ અને દેશ પ્રત્યેની ફરજો નિભાવી શકે.
આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ અને મુળુ બેરા, ધારાસભ્ય મેઘજી ચાવડા, જામનગર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન હુલ્લાસબા જાડેજા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શિક્ષણાધિકારી વિપુલ મહેતા, શાસનાધિકારી ફાલ્ગુની પટેલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી જૈમીન પટેલ પણ સામેલ હતા. જિલ્લા ભાજપ પ્રમુખ વિનુભાઈ ભંડેરી અને અન્ય સ્થાનિક અગ્રણીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
'ચાલો બનીએ આદર્શ' કાર્યક્રમ અંતર્ગત બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય અને આ સંદેશ જામનગરના દરેક ઘેર પહોંચે તે માટે પ્રયાસ કરાયો. આંતરરાષ્ટ્રીય વક્તા પૂ. અપૂર્વમુનિ સ્વામીએ શિક્ષકોને માર્ગદર્શન અને જ્ઞાનરૂપી ગંગાનો લાભ આપ્યો, જેમાં શિક્ષણ સાથે આધ્યાત્મિકતા અને સંસ્કારોના સિંચન પર ભાર મૂકવામાં આવ્યો.
આ અધિવેશનમાં જિલ્લાની છ શ્રેષ્ઠ શાળાઓને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. રાજ્યપાલ એવોર્ડ વિજેતા દેવાંગીબેનનું પણ વિશેષ સન્માન કરાયું હતું. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાને શિક્ષકોના પ્રશ્નો ઉકેલવા અને તાજેતરમાં બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા વિશ્વ રેકોર્ડ બનાવવા બદલ જિલ્લા શિક્ષણ સમિતિ જામનગર દ્વારા વિશિષ્ટ સન્માન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં જામનગરના ૨૦૦૦ જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જામનગર BAPS મંદિરના કોઠારી સ્વામી ધર્મનિધિ સ્વામી, તિલક દર્શન સ્વામી, વિનાયયોગી સ્વામી સહિત મંદિરના સંતો, હરિભક્તો, સ્વયંસેવકો અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ જામનગરની શિક્ષકોની ટીમે જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt